China Masters 2025 / પીવી સિંધુએ થાઈ ખેલાડીને સીધા સેટમાં આપી માત, ક્વાર્ટર ફાઈનલમાં કર્યો પ્રવેશ

ચાઈના માસ્ટર્સ 2025માં વિમેન્સ સિંગલ્સ રાઉન્ડ ઓફ 32માં શાનદાર પ્રદર્શન કર્યા બાદ, ભારતની સ્ટાર ખેલાડી પીવી સિંધુએ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું. સિંધુએ થાઈ ખેલાડીને સીધા સેટમાં હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. સિંધુએ બંને સેટમાં એકતરફી પ્રદર્શન કર્યું અને થાઈલેન્ડની પોર્નપાવી ચોચુવોંગને વાપસી કરવાની કોઈ તક ન આપી.
પીવી સિંધુએ 41 મિનિટમાં મેચ જીતી લીધી
હોંગકોંગ ઓપન 2025ના પહેલા રાઉન્ડમાં બહાર થઈ ગયેલી પીવી સિંધુએ પોર્નપાવી ચોચુવોંગ સામેની પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચ માત્ર 41 મિનિટમાં પૂર્ણ કરીને આગામી રાઉન્ડમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. પીવી સિંધુએ મેચનો પહેલો સેટ 21-15 અને પછી બીજો સેટ 21-15ના માર્જિનથી જીત્યો. હાલમાં વિશ્વમાં 14મા નંબરે રહેલી સિંધુએ છઠ્ઠા નંબરની પોર્નપાવી ચોચુવોંગ સામેના પોતાના હેડ-ટુ-હેડ રેકોર્ડમાં પણ સુધારો કર્યો છે. સિંધુ હવે ક્વાર્ટર ફાઈનલમાં એન સે યંગ અને મિયા બ્લિચફેલ્ડ વચ્ચેની મેચના વિજેતા સામે ટકરાશે.
સાત્વિક-ચિરાગે પણ અંતિમ 16માં સ્થાન મેળવ્યું
ભારતની નંબર 1 મેન્સ બેડમિન્ટન જોડી, સાત્વિકસાઈરાજ અને ચિરાગ શેટ્ટીએ ચાઈના માસ્ટર્સ 2025માં શાનદાર પ્રદર્શન કરીને પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું. સાત્વિક-ચિરાગે મલેશિયાના જુનૈદી આરિફ અને રાય કિંગ યાપને રાઉન્ડ ઓફ 32માં 42 મિનિટની મેચમાં 24-22, 21-13થી હરાવ્યા. દરમિયાન, હોંગકોંગ ઓપનની ફાઇઈનલમાં પહોંચેલો લક્ષ્ય સેન ચાઈના માસ્ટર્સના પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ ગયો. તે લગભગ 30 મિનિટ ચાલેલી મેચમાં ટોમા જુનિયર પોપોવ સામે સીધા સેટમાં 11-21, 10-21થી હારી ગયો.

