ચેમ્પિયન્સ ટ્રોફી બાદ હવે વિમેન્સ વર્લ્ડ કપમાં પણ પાકિસ્તાની ટીમની થઈ ફજેતી, કોઈપણ મેચ જીત્યા વિના થઈ ઘર વાપસી

પાકિસ્તાન ક્રિકેટ ટીમ તેના ખરાબ પ્રદર્શનથી આખી દુનિયામાં નાક કપાવતી રહે છે. તાજેતરમાં, એશિયા કપ 2025માં, પાકિસ્તાની ટીમને ભારત સામે ફાઈનલ સહિત ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તે પહેલાં, પાકિસ્તાન એક પણ મેચ જીત્યા વિના ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર થઈ ગયું હતું. યજમાન ટીમ તરીકે, પાકિસ્તાન ગ્રુપ સ્ટેજમાં બહાર થઈ જતા ભારે અપમાનનો સામનો કરવો પડ્યો હતો.
હવે, પાકિસ્તાન વિમેન્સ ટીમે પણ કોઈ કસર નથી છોડી. પાકિસ્તાની ટીમ ભારત અને શ્રીલંકાની યજમાનીમાં યોજાયેલા ICC વિમેન્સ ODI વર્લ્ડ કપ 2025માંથી બહાર થઈ ગઈ છે. પાકિસ્તાની ટીમ ટુર્નામેન્ટમાં એક પણ મેચ જીત્યા વિના ઘરે પરત ફરી છે.
પાકિસ્તાન વિમેન્સ ટીમ ODI વર્લ્ડ કપ 2025માં આઠ ટીમોમાંથી એકમાત્ર એવી હતી, જે પોઈન્ટ્સ ટેબલમાં પોતાનું ખાતું પણ ખોલવામાં નિષ્ફળ રહી હતી. બાકીની બધી ટીમો ઓછામાં ઓછી એક મેચ જીતી શકી હતી. પાકિસ્તાને લીગ સ્ટેજમાં કુલ સાત મેચ રમી હતી, જેમાંથી ચારમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાની ટીમને ભારત, બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
પાકિસ્તાનને ભારતીય વિમેન્સ ટીમે 88 રનથી હરાવ્યું હતું, જ્યારે પાકિસ્તાની ટીમે ઓસ્ટ્રેલિયા સામે 107 રનથી અને સાઉથ આફ્રિકા સામે 150 રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. વધુમાં, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા સામે પાકિસ્તાનની બધી મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગઈ હતી. જો આ મેચો થઈ હોત, તો પણ ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ટીમના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને તેની હાર લગભગ નિશ્ચિત હતી.
પોઈન્ટ્સ ટેબલમાં 7મા નંબર પર છે ટીમ
વિમેન્સ વર્લ્ડ કપમાં વરસાદના કારણે ત્રણ મેચ ધોવાઈ જવાને કારણે, પાકિસ્તાની ટીમ ત્રણ પોઈન્ટ મેળવવામાં સફળ રહી હતી, જેના કારણે ટીમ પોઈન્ટ્સ ટેબલમાં 7મા ક્રમે છે. પાકિસ્તાનની ટીમ 7મા ક્રમે જ રહેશે, કારણ કે બાંગ્લાદેશ ફક્ત 2 પોઈન્ટ સાથે છેલ્લા સ્થાને છે. બાંગ્લાદેશી ટીમે 6 મેચ રમી છે અને તેની છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાનો સામનો કરશે, જ્યાં તેની જીતવાની શક્યતા ખૂબ જ ઓછી છે.
ઓસ્ટ્રેલિયા તેની બધી મેચ જીતીને હાલમાં પોઈન્ટ્સ ટેબલમાં 11 પોઈન્ટ સાથે ટોપ પર છે. સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ અનુક્રમે 10 અને 9 પોઈન્ટ સાથે બીજા અને ત્રીજા સ્થાને છે. દરમિયાન, ભારત, 6માંથી 3 મેચ જીતીને, 6 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. ચારેય ટીમો સેમીફાઈનલ માટે ક્વોલિફાય થઈ ગઈ છે.

