IND vs AUS ODI: રોહિત શર્મા અને ગૌતમ ગંભીરની વાતચીતનો વીડિયો વાયરલ

ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા વનડે સીરિઝની બીજી મેચ હારતા સીરિઝ પણ હાથમાંથી ગુમાવી છે. દરમિયાન બીજી મેચ બાદ ટીમ ઇન્ડિયા જ્યારે પોતાની હોટલ પહોંચી ત્યારે ત્યાંનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં હેડ કોચ ગૌતમ ગંભીર પૂર્વ કૅપ્ટન રોહિત શર્મા સાથે તેની ફેરવેલ મેચની વાત કરતો જોવા મળે છે. આ વાતચીતથી લાગી રહ્યું હતું કે, રોહિત હવે વનડે મેચમાંથી પણ સંન્યાસ લેશે.
એડિલેટમાં રમાયેલી બીજી મેચ દરમિયાન પીચ પર બેટિંગ કરવી મુશ્કેલ હતી. ટીમ ઇન્ડિયાએ શરુઆતમાં જ શુભમન ગિલ અને વિરાટ કોહલીની વિકેટ ગુમાવી હતી. રન રેટ પણ ઘણો ધીમો હતો. એવામાં રોહિતે શ્રેયસ અય્યરની સાથે મળી રન બનાવ્યા હતા. રોહિતે આ મેચમાં 73 રન ફટકાર્યા હતા. જો કે, આ મેચમાં પણ ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે હારી હતી.
ગંભીરે હિટમેન સાથે કરી વાત
મેચ પૂર્ણ થયા બાદ ટીમ ઇન્ડિયા જ્યારે હોટલ પહોંચી, ત્યારે લોબીમાં એક વ્યક્તિ રોહિત સાથે વાતચીત કરી રહ્યો હતો. ત્યારે રોહિતની પાછળથી આવી રહેલા હેડ કોચ ગંભીરે કહ્યું કે, 'રોહિત બધાને લાગી રહ્યું હતું કે, આ ફેરવેલ મેચ હતી, એક ફોટો તો લગાવવાનો હતો.' તેથી આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
આ દિગ્ગજ ક્રિકેટર્સ લઈ શકે છે સંન્યાસ
મીડિયા રિપોર્ટ્સ મુજબ ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ રોહિત અને કોહલીની અંતિમ વનડે સીરિઝ હોઈ શકે છે. બંને વનડે મેચમાંથી પણ રિટાયરમેન્ટ લઈ શકે છે. ગત વર્ષે બંનેએ ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. આ વર્ષે મેમાં ટેસ્ટને પણ અલવિદા કહ્યું હતું. ટીમ મેનેજમેન્ટ પાસેથી પણ એવા સંકેત મળ્યા છે કે, આ બંને દિગ્ગજ ક્રિકેટર્સ 2027માં રમાનારા વનડે વર્લ્ડ કપમાં જોવા નહીં મળે. જો કે, ફેન્સ ઈચ્છે કે રો-કોની જોડી 2027 વર્લ્ડ કપ રમે, પણ આ તો તેમનું ફોર્મ જ નક્કી કરશે કે તેઓ આ વર્લ્ડ કપ રમશે કે નહીં. બાકી આવનારા થોડા સમયમાં આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

