ભારતમાં યોજાનારા વર્લ્ડ કપમાં નહીં રમે પાકિસ્તાન, જૂનિયર હોકીની મેચમાંથી નામ પરત ખેંચ્યું

સોર્સ : google
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલો મેદાની ઝઘડો હજુ પૂરો થયો નથી. પાકિસ્તાને નવેમ્બર-ડિસેમ્બરમાં ભારતમાં યોજાનારા હોકી વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. હોકીની સંચાલક સંસ્થા FIH એ આ વાતની પુષ્ટિ કરી છે. શરૂઆતની મેચના એક મહિના પહેલા જ પાકિસ્તાને FIH મેન્સ જુનિયર વર્લ્ડ કપ હોકી ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. આ ટુર્નામેન્ટ 28 નવેમ્બરથી 10 ડિસેમ્બર દરમિયાન ચેન્નાઈ અને મદુરાઈમાં રમાવાની છે. ભારત સાથે રાજકીય તણાવનું કારણ આપીને પાકિસ્તાને આ નિર્ણય લીધો છે.
એક અહેવાલ મુજબ પાકિસ્તાન હોકી ફેડરેશન (PHF) એ તેની સરકાર સાથે ચર્ચા કર્યા બાદ FIH ને સત્તાવાર સૂચના મોકલવામાં આવી છે. હોકી ઇન્ડિયાને આની જાણ કરવામાં આવશે. ભારતમાં આ બીજી ઇવેન્ટ છે જેમાં પાકિસ્તાને પોતાનું નામ પાછું ખેંચ્યું છે. અગાઉ પાકિસ્તાને બિહારના રાજગીરમાં યોજાનારા મેન્સ એશિયા કપમાંથી પણ પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.
પાકિસ્તાન હોકી ફેડરેશનના સચિવ રાણા મુજાહિદે આ નિર્ણયની પુષ્ટિ કરતા કહ્યું કે, અમને લાગે છે કે હાલના સંજોગોમાં પરિસ્થિતિ અનુકૂળ નથી. તાજેતરના એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટે સાબિત કર્યું કે, ભારત પાકિસ્તાન સામે સખત તણાવભર્યું વર્તન છે. તેમના ખેલાડીઓએ અમારા ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા ન હતા. આ ઉપરાંત મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, જે શરમજનક હતું.
પાકિસ્તાનને ભારત, ચિલી અને સ્વિટ્ઝર્લૅન્ડ સાથે ગ્રુપ B માં મૂકવામાં આવ્યું હતું. હવે FIH નક્કી કરશે કે બીજી ટીમને આમંત્રણ આપવું કે નહીં. PHFના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન સરકાર સાથે ચર્ચા કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

