T20 World Cup 2026 / ટુનાર્મેન્ટ બોયકોટ કરવાની ધમકી વચ્ચે પાકિસ્તાને જાહેર કરી ટીમ, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ 2026માંથી બહાર થયા બાદ પાકિસ્તાને ધમકી આપી હતી કે તે પણ ટુર્નામેન્ટને બોયકોટ કરશે. PCB અધ્યક્ષ મોહસીન નકવીએ આ અંગે એક નિવેદન પણ આપ્યું હતું. તેણે કહ્યું હતું કે બોર્ડ સરકાર સાથે ચર્ચા કરશે અને સરકાર જેમ કહેશે તે મુજબ નિર્ણય લેશે. આ બધા વચ્ચે હવે પાકિસ્તાને T20 વર્લ્ડ કપ 2026 માટે પોતાની ટીમ જાહેર કરી છે. પાકિસ્તાનની 15 ખેલાડીઓની ટીમનું નેતૃત્વ સલમાન અલી આગા કરશે. સલમાન અલી આગા અને આકિબ જાવેદે પાકિસ્તાન ટીમની જાહેરાત કરી હતી, જેમાં સૌથી આશ્ચર્યજનક વાત રીતે હારિસ રઉફનું બહાર થવું છે. હારિસ રઉફ ઉપરાંત મોહમ્મદ રિઝવાનને પણ ટીમમાં સામેલ નથી કરવામાં આવ્યો. જ્યારે ટીમ મેનેજમેન્ટે બાબર આઝમ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
રઉફ અને રિઝવાન બહાર, બાબર આઝમને તક મળી
હારિસ રઉફના ડેબ્યુ પછી આ પહેલીવાર છે કે તે T20 વર્લ્ડ કપમાં નહીં. જ્યારે મોહમ્મદ રિઝવાનના બહાર થવાની અપેક્ષા પહેલાથી જ હતી. રિઝવાનની જગ્યાએ ઉસ્માન ખાનને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. મોહમ્મદ વસીમ જુનિયરને પણ પાકિસ્તાનની T20 વર્લ્ડ કપ ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે.
પાકિસ્તાનના સિલેક્ટર્સે બિગ બેશ લીગમાં સૌથી ખરાબ સ્ટ્રાઈક રેટ ધરાવતા બાબર આઝમને T20 વર્લ્ડ કપ ટીમમાં સામેલ કર્યો છે. તેણે બિગ બેશ લીગમાં 104થી ઓછા સ્ટ્રાઈક રેટથી 202 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયન T20 લીગમાં 200થી વધુ રન બનાવનાર કોઈપણ બેટ્સમેનોમાં આનાથી ખરાબ સ્ટ્રાઈક રેટ ક્યારેય નથી નોંધાયો. તેમ છતાં તેને T20 વર્લ્ડ કપ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
T20 વર્લ્ડ કપ 2026 માટે પાકિસ્તાન ટીમ
સલમાન અલી આગા (કેપ્ટન), અબરાર અહેમદ, બાબર આઝમ, ફહીમ અશરફ, ફખર ઝમાન, ખ્વાજા નફે, મોહમ્મદ નવાઝ, નસીમ શાહ, મોહમ્મદ સલમાન મિર્ઝા, સાહિબઝાદા ફરહાન, સૈમ અયુબ, શાદાબ ખાન, શાહીન શાહ આફ્રિદી, ઉસ્માન ખાન, ઉસ્માન તારિક.
T20 વર્લ્ડ કપ 2026 માટે પાકિસ્તાનનું શેડ્યૂલ
પાકિસ્તાન T20 વર્લ્ડ કપ 2026માં તેના અભિયાનની શરૂઆત 7 ફેબ્રુઆરીએ નેધરલેન્ડ્સ સામે કરશે. આ મેચ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાશે. પાકિસ્તાનને 20 ટીમોની આ ટુર્નામેન્ટના ગ્રુપ Aમાં મૂકવામાં આવ્યું છે, જેમાં ભારત, નામિબિયા, નેધરલેન્ડ અને USAનો સમાવેશ થાય છે. T20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાનની મેચ 15 ફેબ્રુઆરીના રોજ રમાશે.

