T20 World Cup 2026 / ના રોહિત શર્મા, ના વિરાટ કોહલી... બે વર્ષમાં આટલી બદલાઈ ભારતીય સ્કવોડ

T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય સ્કવોડની જાહેરાત થઈ ગઈ છે. 20 ડિસેમ્બરે BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ ચીફ સિલેક્ટર અજિત અગરકર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવની હાજરીમાં 15 સભ્યોની સ્કવોડ જાહેર કરી હતી. 2024માં ટીમ ઈન્ડિયાએ રોહિત શર્માની કેપ્ટનશિપમાં T20 વર્લ્ડ કપ જીત્યો હતો. બે વર્ષમાં ટીમ ઈન્ડિયા સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા જેવા સિનિયર ખેલાડીઓ નિવૃત્ત થઈ ગયા છે, જ્યારે કેટલાક ખેલાડીઓને 2026ના વર્લ્ડ કપ માટે સ્થાન નથી મળ્યું.
T20 વર્લ્ડ કપ 2026 માટે આ ખેલાડીને જગ્યા મળી
સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમ ફેબ્રુઆરીમાં શરૂ થનારા T20 વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે તૈયાર છે. અભિષેક શર્મા, સંજુ સેમસન અને ઈશાન કિશન ત્રણ ઓપનિંગ બેટ્સમેન વિકલ્પો છે. મિડલ ઓર્ડર તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા અને શિવમ દુબે પર ખૂબ નિર્ભર રહેશે. ભારત પાસે અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર અને વરુણ ચક્રવર્તીના રૂપમાં ચાર મજબૂત સ્પિન વિકલ્પો છે. જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા અને અર્શદીપ સિંહ પેસ બોલિંગની જવાબદારી સંભાળશે.
T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતની સ્કવોડ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, ઈશાન કિશન (વિકેટકીપર), અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), રિંકુ સિંહ, જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી અને વોશિંગ્ટન સુંદર.
બે વર્ષમાં અડધી ટીમ બદલાઈ ગઈ
T20 વર્લ્ડ કપ 2024ની સરખામણીમાં ભારતની અડધી સ્કવોડ બદલાઈ ગઈ છે. ચેમ્પિયન ટીમનો ભાગ રહેલા 7 ખેલાડીઓ હવે 2026ના વર્લ્ડ કપમાં નહીં રમે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા જેવા સિનિયર ખેલાડીઓ નિવૃત્તિ લઈ ચૂક્યા છે. રિષભ પંત પણ 2024નો T20 વર્લ્ડ કપમાં રમ્યો હતો, પરંતુ તે હવે ટીમમાં નથી. યશસ્વી જયસ્વાલ તેના સારા પ્રદર્શન છતાં ટીમમાં સ્થાન નથી મેળવી શક્યો. યુઝવેન્દ્ર ચહલ અને મોહમ્મદ સિરાજ 2024ના T20 વર્લ્ડ કપ ટીમનો ભાગ હતા, પરંતુ તેઓ હવે ટીમમાં નથી.

