T20 World Cup 2026 / ન્યુઝીલેન્ડની ટીમમાંથી બહાર થયો મેચ વિનર ખેલાડી, આ ફાસ્ટ બોલરને મળ્યું સ્થાન

T20 વર્લ્ડ કપ 2026 7 ફેબ્રુઆરીથી શરૂ થવાનો છે. ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા ન્યુઝીલેન્ડની ટીમ ભારતના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે હાલમાં T20I સિરીઝ ચાલી રહી છે. આ સિરીઝ દરમિયાન ન્યુઝીલેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. કિવીનો મેચ વિનર ફાસ્ટ બોલર એડમ મિલ્ને ઈજાને કારણે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. જોકે, મિલ્ને આ T20I સિરીઝ માટે ન્યુઝીલેન્ડ ટીમનો ભાગ નહતો. તેને SA20માં એક મેચ દરમિયાન આ ઈજા થઈ હતી.
ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે એડમ મિલ્ને અંગે નિવેદન જારી કર્યું
ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે એક સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે એડમ મિલ્ને હેમસ્ટ્રિંગની ઈજાને કારણે ICC T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે અને તેના સ્થાને 31 વર્ષીય ફાસ્ટ બોલર કાઈલ જેમીસનને ન્યુઝીલેન્ડની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. રવિવારે SA20માં બોલિંગ કરતી વખતે મિલ્નેને ઈજા થઈ હતી અને સ્કેન બાદમાં ઈજાની ગંભીરતા બહાર આવી. જેમીસન જે હાલમાં ભારત સામેની T20I સિરીઝ માટે કિવિ ટીમનો ભાગ છે, તેને T20 વર્લ્ડ કપ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ફેબ્રુઆરી-માર્ચમાં ભારત અને શ્રીલંકામાં યોજાનારી ટુર્નામેન્ટ માટે તેને અગાઉ ટ્રાવેલિંગ રિઝર્વ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
કિવિ કોચ રોબ વોલ્ટરે શું કહ્યું?
કિવિ કોચ રોબ વોલ્ટરે કહ્યું, "અમે બધા એડમ માટે ખૂબ જ દુઃખી છીએ. તેણે ટુર્નામેન્ટની તૈયારી માટે ખૂબ જ મહેનત કરી હતી અને સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપ માટે તેની આઠ મેચમાં શાનદાર ફોર્મમાં હતો. આ એડમ માટે કમનસીબ સમય છે અને અમે તેને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવીએ છીએ."
ટીમ ઇન્ડિયાએ પહેલી મેચ જીતી
વોલ્ટરે કહ્યું કે, "જેમીસન એક સક્ષમ રિપ્લેસમેન્ટ છે. જેમીસન પહેલાથી જ ભારતમાં અમારી સાથે છે તે ખૂબ સારી વાત છે. તે અમારા પેસ-બોલિંગ ગ્રુપનો મુખ્ય સભ્ય છે અને તેણે આ પ્રવાસમાં શાનદાર શરૂઆત કરી છે. તે એક મહેનતુ ખેલાડી છે જેની પાસે સારી સ્કિલ્સ છે." ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની T20I સિરીઝની બીજી મેચ 23 જાન્યુઆરીએ રમાશે. નાગપુરમાં રમાયેલી પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડને 48 રનથી હરાવીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી છે.

