T20 વર્લ્ડ કપ 2026માં ભાગ નહીં લે બાંગ્લાદેશી ટીમ, સરકારે કરી જાહેરાત; ICCનો મેચ શિફ્ટ કરવાનો ઈનકાર

બાંગ્લાદેશ સરકારે સત્તાવાર રીતે પુષ્ટિ આપી છે કે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ ભારતમાં યોજાનાર T20 વર્લ્ડ કપ 2026માં ભાગ નહીં લે. બાંગ્લાદેશ ટીમે T20 વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. બાંગ્લાદેશ સરકારનું કહેવું છે કે ICCએ T20 વર્લ્ડ કપની મેચો શિફ્ટ કરવાની તેમની વિનંતીને નકારી કાઢી છે. સરકારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) પર પણ નિશાન સાધ્યું છે.
તાજેતરમાં, બાંગ્લાદેશના રમતગમત સલાહકાર આસિફ નજરુલે જણાવ્યું હતું કે બાંગ્લાદેશી ખેલાડીઓ T20 વર્લ્ડ કપમાં રમવા માંગે છે, પરંતુ ટીમ ફક્ત શ્રીલંકામાં જ તેની મેચો રમશે.
'આમાં અમારું નહીં ICCનું નુકસાન'
બાંગ્લાદેશે તેની પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, "ICCએ અમારી મેચોને ભારતની બહાર ખસેડવાનો ઈનકાર કર્યો છે. અમે ક્રિકેટના ભવિષ્ય વિશે ચિંતિત છીએ કારણ કે તેની લોકપ્રિયતા દરરોજ ઘટી રહી છે અને 20 કરોડ લોકોને રમતથી અલગ રાખવામાં આવી રહ્યા છે. જો ક્રિકેટને ઓલિમ્પિકમાં સામેલ કરવા છતાં અમારો દેશ ત્યાં નહીં રમે, તો તે ICCનું નુકસાન હશે. અમે વર્લ્ડ કપમાં રમવા માંગીએ છીએ અને ICC સાથે અમારી ચર્ચા ચાલુ રાખીશું, પરંતુ અમે ભારતમાં વર્લ્ડ કપ નહીં રમીએ. અમે અમારી લડાઈ ચાલુ રાખીશું કારણ કે બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયો આશ્ચર્યજનક હતા."
મુસ્તફિઝુર રહેમાન અંગે પણ આપ્યું નિવેદન
મુસ્તફિઝુર રહેમાનને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માંથી રિલીઝ કર્યા પછી આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. BCCIના નિર્દેશ પર કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ રહેમાનને તેની ટીમમાંથી રિલીઝ કર્યો હતો. KKRએ મિની ઓક્શનમાં મુસ્તફિઝુર રહેમાનને 9.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. બાંગ્લાદેશ સરકારે કહ્યું કે મુસ્તફિઝુરનો મુદ્દો કોઈ અલગ મુદ્દો નથી, તેના પર નિર્ણય લેનાર માત્ર BCCI હતું.

