મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

વિરાટ કે બુમરાહ નહીં પણ રોહિતની જગ્યાએ આ ખેલાડી બની શકે છે ટેસ્ટમાં કેપ્ટન, જાણો કોણે કર્યો દાવો

ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં શરમજનક હાર બાદ ભારતીય ટીમ ટીકાકારોના નિશાન

વિરાટ કે બુમરાહ નહીં પણ રોહિતની જગ્યાએ આ ખેલાડી બની શકે છે ટેસ્ટમાં કેપ્ટન, જાણો કોણે કર્યો દાવો

ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં શરમજનક હાર બાદ ભારતીય ટીમ ટીકાકારોના નિશાના પર છે. કેપ્ટન રોહિત શર્મા સહિત ઘણાં ખેલાડીઓ પર સતત સવાલો ઉઠી રહ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રોહિતે હવે વહેલી તકે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લેવી જોઈએ. ઓસ્ટ્રેલિયામાં યોજાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી તેની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ સીરિઝ સાબિત થઈ શકે છે. એવા અહેવાલ પણ આવ્યા છે કે કેપ્ટન રોહિત શર્મા અંગત કારણોસર 1 કે 2 ટેસ્ટ મેચ નહીં રમી શકે. આ સ્થિતિમાં પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કર અને મોહમ્મદ કૈફે ટેસ્ટમાં કેપ્ટનને લઇને પોતાની પ્રતિક્રિયા આપી છે.

ગાવસ્કરે શું કહ્યું?

ગાવસ્કરે કહ્યું કે, 'જો તમે બે તૃતીયાંશ મેચોમાં નથી રમી રહ્યા તો તમે આ પ્રવાસ પર માત્ર એક ખેલાડી તરીકે જઈ રહ્યા છો. આપણે આ પ્રવાસમાં ટીમ માટે વાઈસ-કેપ્ટન બનાવીશું જે ભારતીય ટીમનો કેપ્ટન હશે. ક્રિકેટ સૌથી મહત્ત્વપૂર્ણ છે. જો આપણે ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝ 3-0થી જીતી હોત તો સ્થિતિ અલગ હોત. કારણ કે આપણે હાર્યા છીએ માટે એક કેપ્ટનની જરૂર છે.'

બુમરાહ કેપ્ટનના પદનો દાવેદાર!

આગામી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે પસંદ કરાયેલી ટીમમાં રોહિત શર્મા કેપ્ટન અને જસપ્રિત બુમરાહ વાઇસને કેપ્ટન બનાવવાના આવ્યો છે. આ સ્થિતિમાં જો રોહિત કેપ્ટનશીપ છોડે છે તો સ્વાભાવિક રીતે બુમરાહ કેપ્ટનના પદનો દાવેદાર હશે. આ દરમિયાન ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફનું માનવું છે કે રોહિત પછી રિષભ પંતને ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ સોંપવી જોઈએ અને પંત હંમેશા ટીમને સર્વોપરી રાખે છે. અને તેણે વિદેશી પરિસ્થિતિઓમાં પણ સારું પ્રદર્શન કર્યું છે.

તેણે હંમેશા ટીમને આગળ રાખી : મોહમ્મદ કૈફ

કૈફે કહ્યું હતું કે, 'વર્તમાન ટીમમાં માત્ર રિષભ પંત જ ટેસ્ટનો કેપ્ટન બનવાનો દાવેદાર છે. અને તે તેના માટે લાયક પણ છે. તેણે હંમેશા ટીમને આગળ રાખી છે. તે ઈંગ્લેન્ડમાં ગમે તે નંબર પર બેટિંગ કરે છે. ઑસ્ટ્રેલિયા હોય કે દક્ષિણ આફ્રિકા, તેણે દરેક પરિસ્થિતિમાં સારું પ્રદર્શન કર્યું છે.'

આ પણ વાંચો: .તો રોહિત ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે', ભારતના વર્લ્ડ કપ વિજેતા ખેલાડીએ હિટમેનને લઈને કહી આ વાત

પંત બની શકે છે રોહિત શર્માનો અનુગામી 

મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે આયોજિત ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં રિષભ પંતે અડધી સદી ફટકારી હતી. જ્યારે અન્ય ભારતીય બેટરો ન્યુઝીલેન્ડના સ્પિનરો સામે સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે પંતે ભારતની આશા જીવંત રાખી હતી. 

આ સમાચાર શેર કરો