IPL 2026ના મિની ઓક્શનમાં કોઈ વિદેશી ખેલાડીને નહીં મળે 18 કરોડથી વધુ રકમ, જાણો નવો નિયમ

IPL 2026 મિની ઓક્શન 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાશે. જેના માટે 350થી વધુ ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી તમામ ટીમો મળીને ફક્ત 77 ખેલાડીઓ ખરીદી શકે છે. આમાં કુલ 31 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થશે. હવે IPLમાં એક નવો નિયમ ઉમેરવામાં આવ્યો છે, જેમાં કોઈ વિદેશી ખેલાડી પર ગેમ તેટલી મોટી બોલી લાગે, તેને ઓક્શન પછી 18 કરોડ રૂપિયાથી વધુ રકમ નહીં મળે.
IPLનો નવો નિયમ
IPLના આ નિયમ અનુસાર ઓક્શનમાં વિદેશી ખેલાડીઓની મહત્તમ કિંમત હાઈએસ્ટ રિટેન્શન સ્લેબ અને છેલ્લા મેગા ઓક્શનમાં સૌથી વધુ પૈસામાં ખરીદાયેલા ખેલાડીની કિંમતમાંથી જે ઓછી હશે તેના પરથી નક્કી થશે. વિદેશી ખેલાડીને મહત્તમ તેટલી રકમ જ મળશે, ભલે તેના પર બોલી વધારે રકમની લાગે.
આ વખતે સૌથી વધુ રિટેન્શન સ્લેબ 18 કરોડ રૂપિયાનો હતો અને છેલ્લા મેગા ઓક્શનમાં રિષભ પંત સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. તેને 27 કરોડ રૂપિયા મળ્યા હતા. પરિણામે બંનેમાંથી ઓછો 18 કરોડ રૂપિયાનો રિટેન્શન સ્લેબ છે. તેથી IPL 2026 મિની ઓક્શનમાં વિદેશી ખેલાડી માટે ગમે તેટલી બોલી લગાવવામાં આવે, તેને 18 કરોડ રૂપિયા જ મળશે. જોકે, ટીમોના પર્સમાંથી તો જેટલી બોલી લાગી હશે તેટલા જ પૈસા કાપવામાં આવશે.
જો વધુ બોલી લગાવવામાં આવશે તો બાકીની રકમ BCCI પાસે જશે
ઉદાહરણ તરીકે જો કોઈ ટીમ IPL 2026 મિની ઓક્શનમાં વિદેશી ખેલાડીને 20 કરોડ રૂપિયામાં ખરીદે છે, તો તે ખેલાડીને મહત્તમ 18 કરોડ રૂપિયા મળશે, અને બાકીના 2 કરોડ રૂપિયા BCCI દ્વારા ખેલાડીઓના કલ્યાણ માટે ઉપયોગમાં લેવામાં આવશે. જોકે, 20 કરોડ રૂપિયાની બોલી લગાવનાર ટીમના પર્સમાંથી 20 કરોડ રૂપિયા જ કાપવામાં આવશે.
KKR પાસે મિની ઓક્શન માટે સૌથી વધુ પૈસા છે
કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે IPL 2026ના મિની ઓક્શન માટે સૌથી વધુ 64.30 કરોડ રૂપિયાનું પર્સ બાકી છે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે 43.40 કરોડ રૂપિયાની પર્સ બાકી છે. તેથી, બંને ટીમો ખેલાડીઓ પર મોટી રકમ ખર્ચ કરી શકે છે.

