IPL 2026 / આવતીકાલે મિની ઓક્શનમાં ખેલાડીઓ પર લાગશે બોલી, જાણો કેટલા વાગ્યાથી જોઈ શકશો લાઈવ

IPL દુનિયામાં સૌથી વધુ જોવાતી લીગ છે અને ઘણા સ્ટાર ખેલાડીઓએ આ લીગમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાની કારકિર્દી બનાવી છે. IPLની આગામી સિઝન માટે સ્ટેજ હવે તૈયાર છે. બધી ટીમોએ IPL ગવર્નિંગ કાઉન્સિલને તેમના રિટેન કરેલા અને રિલીઝ કરેલા ખેલાડીઓની યાદી સુપરત કરી છે. હવે બધાની નજર 16 ડિસેમ્બરે યોજાનારા મિની ઓક્શન પર છે.
IPL 2026 માટે મિની ઓક્શન 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાશે. જે એક જ દિવસમાં પૂર્ણ થઈ જશે, મિની ઓક્શન ભારતીય સમય મુજબ બપોરે 2:30 વાગ્યે શરૂ થશે. ફેન્સ તેને ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલ પર લાઈવ જોઈ શકશે. જે લોકો તેને મોબાઈલ પર જોવા માંગે છે તેઓ JioHotstar પર જોઈ શકે છે. આ એક મિની ઓક્શન હોવાથી, ટીમો રાઈટ ટુ મેચ (RTM) વિકલ્પનો ઉપયોગ કરી નહીં શકે.
ઓક્શનમાં કુલ 77 ખેલાડીઓ ખરીદી શકાશે
IPL 2026ના મિની ઓક્શન માટે 350થી વધુ ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આમાંથી બધી ટીમો મળીને ફક્ત 77 ખેલાડીઓ ખરીદી શકે છે. આ 77 ખેલાડીઓમાંથી 31 વિદેશી ખેલાડીઓ છે. નોંધનીય છે કે કુલ 40 ખેલાડીઓએ 2 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈસ સાથે ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આમાં ભારતના વેંકટેશ અય્યર અને રવિ બિશ્નોઈનો પણ સમાવેશ થાય છે.
ટીમો તેની સ્કવોડમાં વધુમાં વધુ 25 ખેલાડીઓ રાખી શકે છે
IPLમાં કોઈપણ ટીમ તેની સ્કવોડમાં વધુમાં વધુ 25 ખેલાડીઓ રાખી શકે છે. ખેલાડીઓની ઓછામાં ઓછી સંખ્યા 18 છે. વધુમાં કોઈપણ IPL ટીમ વધુમાં વધુ 8 વિદેશી ખેલાડીઓનો સમાવેશ કરી શકે છે, જેમાંથી ફક્ત 4 જ પ્લેઈંગ ઈલેવનમાં રમી શકે છે.
KKR પાસે ઓક્શન માટે સૌથી વધુ પૈસા બાકી છે
IPL 2026ના ઓક્શન માટે કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) પાસે સૌથી વધુ પૈસા બાકી છે. KKR પાસે કુલ 64.30 કરોડ રૂપિયાનું પર્સ છે. આ પછી 5 વખતની IPL ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) પાસે 43.40 કરોડ રૂપિયાનું પર્સ છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ પાસે ઓક્શન માટે સૌથી ઓછા પૈસા ઉપલબ્ધ છે, ટીમ પાસે 2.75 કરોડ રૂપિયાનું પર્સ છે.

