સદી ફટકાર્યા બાદ પરિવારને મળ્યો નીતિશ રેડ્ડી, BCCIએ શેર કર્યો ભાવુક ક્ષણનો VIDEO
ભારતીય ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી માટે શનિવાર (28 ડિસેમ્બર) ખૂબ જ ખાસ દિવસ હતો. આ દિવસે તેણે ઓસ્ટ્રેલિયા સામે મેલબર્નમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટમાં પોતાની સદી પૂરી કરી હતી. હવે તે મેચના ત્રીજા દિવસની રમત પૂરી થયા બાદ તેના પરિવારને મળ્યો. આ દરમિયાન પરિવારજનો તેમના ખુશીના આંસુ રોકી શક્યા ન હતા. નીતિશ અને તેમના પરિવાર વચ્ચેની મુલાકાતનો વીડિયો BCCIએ શેર કર્યો હતો.
આ પણ વાંચો: નીતિશ રેડ્ડીને ક્રિકેટર બનાવવા પિતાએ છોડી હતી નોકરી, જાણો અંડર-14થી મેલબર્ન સુધીની કહાની
વીડિયોમાં જોઈ શકાય છે કે નીતિશ હસતા ચહેરા સાથે પરિવારને મળે છે. પહેલા નીતિશની માતા તેને ગળે લગાવે છે અને પછી ભારતીય ઓલરાઉન્ડર તેની બહેનને ગળે લગાવે છે. આ પછી તે તેના પિતાને ગળે લગાવે છે. આ દરમિયાન તેના પિતા મુત્યાલા રેડ્ડી એકદમ ભાવુક દેખાય છે.
આ પછી પિતાએ કહ્યું, "નીતીશ આજે ખૂબ સારું રમ્યો. મને ખૂબ ગર્વ છે. અમે ઘણો સંઘર્ષ કર્યો છે. અમે ભારતીય ટીમના આભારી છીએ." આગળ, નીતિશની બહેન તેજસ્વી રેડ્ડીએ કહ્યું, "તેના માટે આ પ્રવાસ સરળ ન હતો. હું એટલું જ કહી શકું છું કે અમે બધા ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ અને ખૂબ જ ખુશ છીએ. તેમને કહ્યું તેમ તેમણે કર્યું."
સ્ટેડિયમમાં પણ ભાવુક થઈ ગયા હતા પિતા
તમને જણાવી દઈએ કે જ્યારે નીતિશે સદી ફટકારી ત્યારે સ્ટેન્ડ પર હાજર તેના પિતા ખૂબ જ ભાવુક દેખાતા હતા. પિતાએ પહેલા નીતિશની સદીની ઉજવણી કરી અને પછી તેઓ ભાવુક થઈ ગયા.
નીતિશ અને સુંદરે કરી કમાલ
મેચના ત્રીજા દિવસના અંત સુધી નીતીશ 176 બોલમાં 10 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 105 રન બનાવીને અણનમ રહ્યો હતો. નીતીશ સાથે મોહમ્મદ સિરાજ 02 રને અણનમ પરત ફર્યો હતો. આ પહેલા તેણે વોશિંગ્ટન સુંદર સાથે મળીને આઠમી વિકેટ માટે 127 (285 બોલ) ની પાર્ટનરશિપ કરી હતી. આ દરમિયાન સુંદરે 1 ચોગ્ગાની મદદથી 50 રનની ઈનિંગ રમી હતી.

