ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝ અંગે આવ્યું નવું અપડેટ, ટીમ સાથે જોડાશે આકિબ નબી સહીત 3 ખેલાડીઓ

અર્શદીપ સિંહ, આકિબ નબી અને ગુરનુર બરાર ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયા સાથે જોડાશે. ભારતીય ક્રિકેટ ટીમના બેટિંગ કોચ સિતાંશુ કોટકે આ વાતની પુષ્ટિ કરી છે. બે મેચની ટેસ્ટ સિરીઝ 19 નવેમ્બરથી શરૂ થશે. રેડ-બોલ સિરીઝ માટે આ ત્રણ બોલર્સ નામ ટીમમાં નથી, પરંતુ ટીમને તૈયારીમાં મદદ કરવા માટે અર્શદીપ, આકિબ અને ગુરનુર ODI સિરીઝ પછી ન્યુઝીલેન્ડમાં રહેશે.
સિતાંશુ કોટકે કહ્યું કે પ્રથમ બે ODIમાં પિચોમાં બોલર્સને મદદ મળી હતી. તેણે ઉમેર્યું કે ODI મેચો અહીંની પરિસ્થિતિઓને સમજવામાં મદદરૂપ હતી અને ઈન્ડિયા Aની મલ્ટી-ડે મેચો પણ તૈયારી માટે સારી હતી. હાલમાં ઈન્ડિયા A અને ન્યુઝીલેન્ડ A વચ્ચે ત્રીજી બિનસત્તાવાર ટેસ્ટ મેચ ચાલી રહી છે.
બેટિંગ કોચ સિતાંશુ કોટકે કહ્યું, "ભારતીય ખેલાડીઓ 11 નવેમ્બરથી પ્રેક્ટિસ શરૂ કરશે. આશા છે કે પાંચથી છ પ્રેક્ટિસ સેશન ટેસ્ટ સિરીઝ માટે ટીમની તૈયારીઓને સારી બનાવવા માટે પૂરતા હશે. અર્શદીપ, આકિબ અને ગુરનુર ટેસ્ટ તૈયારીઓ માટે ન્યુઝીલેન્ડમાં ટીમ સાથે રહેશે. હાલ માટે યોજના એ છે કે ગંભીર ODI ટીમ સાથે રહેશે, જ્યારે મોર્ને (મોર્કેલ) અને હું વેલિંગ્ટન જઈશું." તમને જણાવી દઈએ કે પહેલી ટેસ્ટ 19 નવેમ્બરથી વેલિંગ્ટનના બેસિન રિઝર્વ ખાતે રમાશે.
ગુરનુર, આકિબ અને અર્શદીપે તબાહી મચાવી
અર્શદીપ સિંહ અને ગુરનુર બરારે અત્યાર સુધી બંને ODI મેચોમાં તબાહી મચાવી છે. ગુરનુર સાત વિકેટ સાથે સિરીઝમાં સૌથી સફળ બોલર રહ્યો છે, જ્યારે અર્શદીપે ચાર વિકેટ લીધી છે. પહેલી મેચમાં આકિબ નબી મોંઘો સાબિત થયો હતો, પરંતુ બીજી મેચમાં તેણે બે વિકેટ લઈને ન્યુઝીલેન્ડના ટોપ ઓર્ડરને તોડ્યો હતો.
અંશુલ કંબોજે અત્યાર સુધી ODI સિરીઝમાં ચાર વિકેટ ઝડપી છે, પરંતુ તેણે ન્યુઝીલેન્ડની સ્થિતિનો સૌથી વધુ ફાયદો ઉઠાવ્યો છે. તેણે બંને મેચમાં કુલ 18 ઓવર ફેંકી છે, જેમાં માત્ર 2.61ના ઈકોનોમી રેટથી 47 રન આપ્યા છે. અંશુલ પહેલાથી જ ટેસ્ટ ટીમનો ભાગ છે.
ટેસ્ટ સિરીઝ માટે ભારતની ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિક્ક લ, સાઈ સુદર્શન, કેએલ રાહુલ, રિષભ પંત, ધ્રુવ જુરેલ, નીતિશ કુમાર રેડ્ડી, અંશુલ કંબોજ, વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, આકાશદીપ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, કુલદીપ યાદવ.






