મુંબઈએ જીત્યો સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનો ખિતાબ, ફાઈનલમાં મધ્ય પ્રદેશને હરાવ્યું
મુંબઈએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024નો ખિતાબ જીત્યો છે. તેણે ફાઈનલમાં મધ્યપ્રદેશને 5 વિકેટે હરાવ્યું હતું. શ્ર

મુંબઈએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024નો ખિતાબ જીત્યો છે. તેણે ફાઈનલમાં મધ્યપ્રદેશને 5 વિકેટે હરાવ્યું હતું. શ્રેયસ અય્યરની કેપ્ટનશિપ હેઠળની મુંબઈની ટીમ માટે સૂર્યકુમાર યાદવ, અજિંક્ય રહાણે અને સૂર્યાંશ શેડગેએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. સૂર્યાંશે 36 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. મધ્યપ્રદેશના કેપ્ટન રજત પાટીદારે અણનમ 81 રન બનાવ્યા હતા. જોકે તેની ઈનિંગ નિરર્થક ગઈ.
આ પણ વાંચો: WPL 2025 ઓક્શન: હરાજીમાં 19 ખેલાડીઓનાં નસીબ ચમક્યા, સિમરન અને કમલિનીને મળી મોટી રકમ
પ્રથમ બેટિંગ કરતા મધ્યપ્રદેશે મુંબઈને 175 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં મુંબઈએ 17.5 ઓવરમાં જ મેચ જીતી લીધી હતી. સૂર્યાંશે ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું. 15 બોલનો સામનો કરીને તેણે અણનમ 36 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય અથર્વે 6 બોલમાં 16 રન બનાવ્યા હતા. તેણે 2 છગ્ગા ફટકાર્યા હતા.
રહાણેનું જોરદાર પ્રદર્શન
મધ્યપ્રદેશે આપેલા ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી મુંબઈની ટીમ માટે પૃથ્વી શો અને અજિંક્ય રહાણે ઓપનિંગ કરવા આવ્યા હતા. પૃથ્વી કંઈ ખાસ ન કરી શક્યો. તે 10 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ રહાણેએ 37 રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. તેણે 30 બોલનો સામનો કર્યો અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન શ્રેયસ અય્યર 16 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 2 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. શિવમ દુબે માત્ર 9 રન બનાવીને આઉટ થયો હતો.
સૂર્યકુમાર યાદવ અડધી સદી ચૂક્યો
મુંબઈ તરફથી સૂર્યા ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. આ દરમિયાન તેણે 35 બોલનો સામનો કર્યો અને 48 રન બનાવ્યા હતા. સૂર્યાની આ ઇનિંગમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. જોકે તે અડધી સદી ચૂકી ગયો હતો.
મધ્યપ્રદેશ માટે પાટીદારે તોફાની ઈનિંગ્સ રમી
મધ્યપ્રદેશે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા હતા. આ દરમિયાન રજત પાટીદારે શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. તેણે 40 બોલનો સામનો કરીને અણનમ 81 રન બનાવ્યા હતા. આ ઈનિંગ દરમિયાન પાટીદારે 6 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. સુભ્રાંશુ સેનાપતિએ 23 રનની ઈનિંગ રમી હતી. તેણે 17 બોલનો સામનો કર્યો અને 2 છગ્ગા ફટકાર્યા હતા. વેંકટેશ અય્યર 17 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 1 ચોગ્ગો અને 1 છગ્ગો ફટકાર્યો હતો. હરપ્રીત સિંહે 15 રન બનાવ્યા હતા.
મુંબઈ તરફથી શાર્દુલ-ડાયસે બે-બે વિકેટ લીધી
ફાઈનલમાં મુંબઈ તરફથી શાર્દુલ ઠાકુરે 2 વિકેટ લીધી હતી. શાર્દુલે 4 ઓવરમાં 41 રન આપીને 2 વિકેટ લીધી હતી. રોયસ્ટન ડાયસે 3 ઓવરમાં 32 રન આપીને 2 વિકેટ લીધી હતી. શિવમ દુબે, શ્રેયાંશ શેડગે અને અથર્વને એક-એક વિકેટ મળી હતી.








