મીરાબાઈ ચાનુએ કરી શાનદાર વાપસી, કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ મેડલ

એક વર્ષના લાંબા ગાળા પછી પરત ફરેલી મીરાબાઈ ચાનુએ પોતાની ખ્યાતિ મુજબ પ્રદર્શન કર્યું અને સોમવારે કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં નવો રેકોર્ડ બનાવીને ગોલ્ડ મેડલ જીત્યો. ટોક્યો ઓલિમ્પિક્સની સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈએ વિમેન્સ 48 કિગ્રા વજન કેટેગરીમાં કુલ 193 કિગ્રા (84 કિગ્રા + 109 કિગ્રા) વજન ઉપાડ્યું અને કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં કુલ, સ્નેચ અને ક્લીન એન્ડ જર્કના રેકોર્ડ તોડીને પ્રથમ સ્થાન મેળવ્યું. આ 31 વર્ષીય એથ્લેટ પહેલા 49 કિગ્રામાં ભાગ લેતી હતી પરંતુ હવે આ વજન કેટેગરીનો ઓલિમ્પિકમાં સમાવેશ નથી થતો.
ગયા વર્ષે ઓગસ્ટમાં પેરિસ ઓલિમ્પિક પછી પહેલીવાર મીરાબાઈ કોઈ સ્પર્ધામાં ભાગ લઈ રહી છે. તે પેરિસ ઓલિમ્પિકમાં ચોથા સ્થાને રહી હતી. ઈજાને કારણે મીરાબાઈ છેલ્લા એક વર્ષમાં કોઈ સ્પર્ધામાં ભાગ નહતી લઈ શકી, તેથી તેને લયમાં આવવામાં પણ સમય લાગ્યો.
ત્રીજો પ્રયાસ નિષ્ફળ ગયો
તે સ્નેચમાં 84 કિગ્રાના તેના પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ ગઈ. તેને જમણા ઘૂંટણમાં તકલીફ દેખાઈ, પરંતુ બીજા પ્રયાસમાં તેણે તે જ વજન ઉપાડ્યું. 89 કિલો વજનનો તેનો ત્રીજો પ્રયાસ પણ નિષ્ફળ ગયો. કોઈ વાસ્તવિક સ્પર્ધા વિના, મીરાબાઈ પોતાની જાત સાથે સ્પર્ધા કરી રહી હતી. તેણે ક્લીન એન્ડ જર્કમાં 105 કિલો વજન ઉપાડીને શરૂઆત કરી. તેણે તેને 109 કિલો સુધી વધાર્યું, પરંતુ 113 કિલોનો પોતાનો છેલ્લો પ્રયાસ પૂર્ણ ન કરી શકી.
ઇરેન હેનરીએ સિલ્વર જીત્યો
મલેશિયાની ઇરેન હેનરીએ 161 કિગ્રા (73 કિગ્રા + 88 કિગ્રા) ઉપાડીને સિલ્વર મેડલ જીત્યો, જ્યારે વેલ્સની નિકોલ રોબર્ટ્સે 150 કિગ્રા (70 કિગ્રા + 80 કિગ્રા) ઉપાડીને બ્રોન્ઝ મેડલ જીત્યો. આમ મીરાબાઈએ 48 કિગ્રા કેટેગરીમાં સફળ વાપસી કરી. તેણે આ જ કેટેગરીમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ ટાઈટલ અને કોમનવેલ્થ ગેમ્સમાં બે મેડલ જીત્યા હતા, પરંતુ 2018 પછી તે 49 કિગ્રા કેટેગરીમાં ભાગ લઈ રહી હતી.

