VIDEO / Asia Cup પહેલા આ લીગમાં આવ્યું સંજુ સેમસનનું તોફાન, 16 બોલમાં ફિફ્ટી તો 42 બોલમાં ફટકારી સદી

એશિયા કપ પહેલા સંજુ સેમસને કેરળ ક્રિકેટ લીગમાં તોફાની સદી ફટકારી હતી. આ જમણા હાથના બેટ્સમેને સદી ફટકારીને એશિયા કપની પ્લેઈંગ ઈલેવન માટે પોતાનો દાવો રજૂ કર્યો છે. કોચી બ્લુ ટાઈગર્સ માટે રમતી વખતે સંજુએ શાનદાર સદી ફટકારી હતી. સંજુએ 16 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી, જ્યારે તેણે 42 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.
સંજુ સેમસન આ મેચમાં ઓપનર તરીકે મેદાનમાં ઉતર્યો. અગાઉ, તે મિડલ ઓર્ડરમાં આવ્યો હતો, જ્યાં તે કંઈ ખાસ નહતો કરી શક્યો. મેચમાં એરીઝ કોલ્લમ સેલર્સે પહેલા બેટિંગ કરતા 236 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. 237 રનનો ટાર્ગેટ ચેઝ કરતા સંજુ સેમસનની ટીમે 6 ઓવરમાં 1 વિકેટે 100 રન બનાવ્યા હતા.
51 બોલમાં 121 રનની ઈનિંગ રમી
KCLની આ સિઝનમાં કોઈપણ ટીમનો આ હાઈએસ્ટ સ્કોર છે. આ રન ચેઝમાં સેમસને પણ શાનદાર ઈનિંગ રમી હતી. સંજુએ 16 બોલમાં સિઝનની સૌથી ઝડપી અડધી સદી ફટકારી. પછી 42 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી. સંજુએ 51 બોલમાં 14 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 121 રનની જોરદાર ઈનિંગ રમી હતી. તે 19મી ઓવરના પહેલા બોલ પર આઉટ થયો હતો. આ ઈનિંગને કારણે કોચી બ્લુ ટાઈગર્સે છેલ્લા બોલ પર 237 રન બનાવ્યા અને 4 વિકેટથી જીત મેળવી.
એશિયા કપ માટે ટીમમાં સ્થાન મેળવ્યું
તમને જણાવી દઈએ કે ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનને ભારતની 15 સભ્યોની એશિયા કપ ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરે UAEમાં રમાશે. સંજુ સેમસનને એશિયા કપ માટે ટીમમાં સ્થાન મળ્યું છે, પરંતુ તેના માટે પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ કરવો મુશ્કેલ લાગે છે.
ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને પણ T20 ફોર્મેટમાં રમાનાર એશિયા કપ માટે ભારતની ટીમમાં સ્થાન મળ્યું છે. એટલું જ નહીં, ગિલને વાઈસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. ટીમમાં ગિલના સમાવેશથી સંજુ સેમસન માટે મુશ્કેલીઓ વધી ગઈ છે, તે છેલ્લી સિરીઝમાં અભિષેક શર્મા સાથે ઓપનિંગની જવાબદારી સંભાળી રહ્યો હતો.
પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ
જો ગિલને પ્લેઈંગ ઈલેવનમાં તક મળે છે, તો તે ઈનિંગ ઓપન કરશે. આવી સ્થિતિમાં, સેમસનને મિડલ ઓર્ડરમાં આવવું પડી શકે છે. જોકે, સંજુ સેમસન અત્યાર સુધી T20Iમાં મિડલ ઓર્ડરમાં 5 કે તેથી ઓછા નંબર પર ફક્ત 7 ઈનિંગમાં બેટિંગ કરી છે. આ દરમિયાન, તે કુલ 93 રન બનાવી શક્યો છે. તેનો હાઈએસ્ટ સ્કોર અણનમ 30 છે. આ જોતા કહી શકાય છે કે તેને ઓપનિંગ કરવાનું પસંદ છે.

