Asia Cup પહેલા જ BCCIને લાગ્યો મોટો ઝટકો, Dream11 સ્પોન્સરશિપ પાછી ખેંચી લેતા શોધવા પડશે નવા સ્પોન્સર

એશિયા કપ 2025 પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને મોટો ઝટકો લાગ્યો છે. Dream11 એ BCCI ને જાણ કરી છે કે, તે હવે ભારતીય ક્રિકેટ ટીમને સ્પોન્સર નહીં કરે. હાલમાં જ સંસદમાં પ્રમોશન અને રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ બિલ, 2025 પસાર કરવામાં આવ્યું છે. આ બિલ હેઠળ, ભારતમાં રિયલ મની ગેમિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના કારણે Dream11ના ફુલે ફાલેલા બિઝનેસ પર મોટી અસર થઈ છે.
BCCI એ ટૂંક સમયમાં નવો સ્પોન્સર શોધવો પડશે
મીડિયા રિપોર્ટ પ્રમાણે Dream11ના પ્રતિનિધિઓ મુંબઈમાં BCCI ઓફિસમાં આવ્યા હતા અને CEO હેમાંગ અમીનને આ નિર્ણય અંગે જાણકારી આપી હતી. હવે BCCI ટૂંક સમયમાં એક નવું ટેન્ડર બહાર પાડશે. એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી સંયુક્ત આરબ અમીરાત (UAE) માં શરૂ થવાનું છે. હવે Dream11 સ્પોન્સરશિપ પાછી ખેંચી લેતા BCCI એ ટૂંક સમયમાં નવા સ્પોન્સર શોધવા પડશે.
BCCIના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "Dream11ના પ્રતિનિધિઓએ BCCI ઓફિસની મુલાકાત લીધી હતી. તેઓએ CEO હેમાંગ અમીનને જાણ કરી હતી કે Dream11 હવે આ ડીલ આગળ વધારવા સક્ષમ નથી. જેના કારણે તે એશિયા કપ માટે ભારતીય ટીમને સ્પોન્સર નહીં કરે. BCCI ટૂંક સમયમાં નવું ટેન્ડર બહાર પાડશે."
કેટલા કરોડમાં થઈ હતી ડીલ?
Dream11 એ જુલાઈ 2023માં BCCI સાથે 358 કરોડ રૂપિયાની મોટી રકમ સાથે ડીલ કરી હતી. જે હેઠળ Dream11 એ ભારતીય મહિલા ટીમ, ભારતીય પુરરૂષ ટીમ, ભારત અંડર-19 ટીમ અને ભારત-A ટીમની કિટ માટે સ્પોન્સરના રાઈટ્સ મેળવ્યા હતા. Dream11એ Byju’sને રિપ્લેસ કરી હતી.
કરાર પ્રમાણે Dream11ને કોઈપણ પ્રકારનો દંડ નહીં ભરવો પડે
બંને વચ્ચે થયેલા કરાર પ્રમાણે Dream11ને કોઈપણ પ્રકારનો દંડ નહીં ભરવો પડે. કારણ કે, કરારમાં સ્પષ્ટપણે લખ્યું છે કે, જો ભારત સરકારનો નવો કાયદો કંપનીના મુખ્ય બિઝનેસને અસર કરે છે, તો કંપની બોર્ડને કોઈ દંડ ચૂકવશે નહીં. Dream11ની શરુઆત 18 વર્ષ પહેલા થઈ હતી અને આજે તેની વેલ્યૂ લગભગ 8 બિલિયન ડોલર પર પહોંચી ગઈ છે.

