Ranji Trophy / મેચ ડ્રો થવા છતાં ફાઈનલમાં પહોંચી કેએલ રાહુલની ટીમ, જાણો આ કેવી રીતે શક્ય બન્યું

રણજી ટ્રોફી 2025-26 એલિટની પહેલી સેમીફાઈનલ ઉત્તરાખંડ અને કર્ણાટક વચ્ચે લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાઈ હતી. મેચ ડ્રોમાં સમાપ્ત થઈ, પરંતુ કેએલ રાહુલની ટીમે ફાઈનલમાં સ્થાન મેળવ્યું. રાહુલે બંને ઈનિંગ્સમાં ટીમ માટે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. તો, ચાલો જાણીએ કે મેચ ડ્રો થવા છતાં રાહુલની ટીમ કર્ણાટક ફાઈનલમાં કેવી રીતે પહોંચી ગઈ.
ડ્રો બાદ ફાઈનલિસ્ટ કેવી રીતે પસંદ કરવામાં આવ્યા?
રણજી ટ્રોફીમાં નોકઆઉટ મેચો (સેમીફાઈનલ અને ફાઈનલ) ડ્રો થયા બાદ પ્રથમ ઈનિંગમાં લીડ ધરાવતી ટીમને વિજેતા જાહેર કરવામાં આવે છે. કર્ણાટક અને ઉત્તરાખંડ વચ્ચેની મેચમાં પણ એ જ રીતે નિર્ણય લેવામાં આવ્યો હતો. કર્ણાટક પાસે પ્રથમ ઈનિંગની લીડ હતી, તેથી તેણે મેચ ડ્રો થવા છતાં ફાઈનલમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું.
11 વર્ષ પછી ફાઈનલમાં પહોંચી ટીમ
તમને જણાવી દઈએ કે કર્ણાટકે 11 વર્ષની લાંબી રાહ જોયા પછી રણજી ટ્રોફી ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. આ સિવાય જમ્મુ અને કાશ્મીરે પ્રથમ સેમીફાઈનલ જીતીને પહેલીવાર રણજી ટ્રોફી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. બંને ટીમો વચ્ચે ટાઈટલ મેચ 24 ફેબ્રુઆરીથી શરૂ થશે.
કર્ણાટકે પ્રથમ ઈનિંગમાં વિશાળ સ્કોર બનાવ્યો
મેચમાં પહેલા બેટિંગ કરતા કર્ણાટકે પ્રથમ ઈનિંગમાં 736/10નો વિશાળ સ્કોર બનાવ્યો હતો. કેપ્ટન દેવદત્ત પડિક્કલે ટીમ માટે સૌથી વધુ મોટી ઈનિંગ રમતા 29 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 232 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે પણ 11 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 141 રન બનાવ્યા હતા. પાંચમા નંબરે બેટિંગ કરવા આવેલા સ્મરણ રવિચંદ્રને 12 ચોગ્ગાની મદદથી 135 રન બનાવ્યા હતા.
જવાબમાં ઉત્તરાખંડ તેની પ્રથમ ઈનિંગમાં ફક્ત 233 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ત્યારબાદ કર્ણાટક તેની બીજી ઈનિંગમાં 323 રન બનાવ્યા. 827 રનનો ટાર્ગેટ ચેઝ કરતા ઉત્તરાખંડ પાંચમા દિવસના અંતે ફક્ત 260/6 સુધી પહોંચી શક્યું હતું.

