મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

અટકવાનું નામ નથી લઈ રહ્યો કન્કશન સબસ્ટિટ્યુટનો વિવાદ, કેવિન પીટરસને હવે મેચ રેફરી પર સાધ્યું નિશાન

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની T20 સિરીઝની ચોથી મેચ ટીમ ઈન્ડિયાએ 15 રનથી જી

અટકવાનું નામ નથી લઈ રહ્યો કન્કશન સબસ્ટિટ્યુટનો વિવાદ, કેવિન પીટરસને હવે મેચ રેફરી પર સાધ્યું નિશાન

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની T20 સિરીઝની ચોથી મેચ ટીમ ઈન્ડિયાએ 15 રનથી જીતી લીધી, સાથે જ સિરીઝમાં 3-1ની અજેય લીડ પણ મેળવી લીધી. પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ હજુ પણ એક મોટા કારણથી સમાચારમાં છે, મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવનમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. જ્યારે શિવમ દુબેના બદલે હર્ષિત રાણાને કન્કશન સબસ્ટિટ્યુટ તરીકે લેવામાં આવ્યો હતો. આ ફેરફાર અંગે ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓએ પણ પોતાના નિવેદનો આપ્યા છે અને હવે આ યાદીમાં ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ખેલાડી કેવિન પીટરસનનું નામ પણ ઉમેરાયું છે, જેણે મેચ રેફરી જવાગલ શ્રીનાથ વિશે ટ્વિટ કરીને તેના પર નિશાન સાધ્યું છે.

આ નિર્ણય માટે મેચ રેફરીએ પોતાની ભૂલ સ્વીકારવી જોઈએ

કેવિન પીટરસને 2 ફેબ્રુઆરીના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કન્કશન સબસ્ટિટ્યુટના મુદ્દા પર પોસ્ટ કરી હતી, જેમાં લખ્યું હતું કે, "કન્કશન સબસ્ટિટ્યુટ હાલમાં દરેક જગ્યાએ ચર્ચાનો વિષય છે અને આ અંગે મારો મત એ છે કે તે ક્યારેય લાઈક ફોર લાઈક રિપ્લેસમેન્ટ નહતું. મેચ રેફરીએ આ નિર્ણય અંગે પોતાની ભૂલ સ્વીકારવી જોઈએ, જેથી આ ચર્ચાનો અંત આવે અને આપણે આજે સાંજે રમવાની એક શાનદાર મેચ  તરફ આગળ વધીએ." તમને જણાવી દઈએ કે લાંબા સમય પછી શિવમ દુબેને ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું અને ટીમમાં આવતાની સાથે જ તેણે 53 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી જેના કારણે ટીમ ઈન્ડિયા 181 રનના સ્કોર સુધી પહોંચી શકી. 

હર્ષિત રાણાએ પોતાની બોલિંગથી મેચનું પાસું ફેરવ્યું હતું

ઈંગ્લેન્ડ સામેની ચોથી T20 મેચમાં બેટિંગ કરતી વખતે ઈનિંગની છેલ્લી ઓવરમાં શિવમ દુબેના હેલ્મેટ પર બોલ વાગ્યો હતો, ત્યારબાદ તેના સ્થાને કન્કશન સબસ્ટિટ્યુટ તરીકે સામેલ કરાયેલા ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ તેની બોલિંગથી આખી મેચ પલટી નાખી. હર્ષિતે તેના T20 આંતરરાષ્ટ્રીય ડેબ્યુમાં 4 ઓવરમાં 33 રન આપીને ત્રણ વિકેટ લીધી, જેમાં તેણે લિયામ લિવિંગસ્ટોન, જેકબ બેથેલ અને જેમી ઓવરટનને આઉટ કર્યા હતા.

આ સમાચાર શેર કરો