કેન વિલિયમસનના નામે નોંધાયો નવો રેકોર્ડ, ન્યુઝીલેન્ડ તરફથી પહેલી વખત થયું આ કારનામું
ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચેની 3 ટેસ્ટ મેચની સિરીઝ ચાલી રહી છે. જેની પ્રથમ ટેસ્ટ ક્

ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચેની 3 ટેસ્ટ મેચની સિરીઝ ચાલી રહી છે. જેની પ્રથમ ટેસ્ટ ક્રાઈસ્ટચર્ચના હેગલી ઓવલમાં રમાઈ રહી છે. આ મેચ 28મી નવેમ્બરથી શરૂ થઈ હતી જેમાં પ્રથમ દિવસે ન્યુઝીલેન્ડે બેટિંગ કરી હતી અને દિવસની રમતના અંત સુધી 8 વિકેટ ગુમાવીને સ્કોરબોર્ડ પર 319 રન બનાવ્યા હતા. બીજા દિવસે ન્યુઝીલેન્ડની પ્રથમ ઈનિંગ 348 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ઈંગ્લેન્ડની બેટિંગ શાનદાર રહી હતી. હેરી બ્રુકની 171 રનની શાનદાર ઈનિંગના આધારે ઈંગ્લિશ ટીમે વળતો પ્રહાર કર્યો અને 499 રન બનાવ્યા હતા. બ્રુક ઉપરાંત ઓલી પોપે 77 રન અને બેન સ્ટોક્સે 80 રનનું યોગદાન આપ્યું હતું.
આ પણ વાંચો: સાઉથ આફ્રિકાના 3 ભૂતપૂર્વ ક્રિકેટરની ફિક્સિંગના આરોપમાં ધરપકડ, એકે તો ભારત સામે જ રમી હતી છેલ્લી મેચ
ત્રીજા દિવસે ન્યુઝીલેન્ડની બીજી ઇનિંગ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમે માત્ર 23 રનમાં બંને ઓપનરની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી કેન વિલિયમ્સન અને રચિન રવિન્દ્રએ પારી સંભાળી અને બીજા સેશનના અંત સુધી સુધી ટીમનો સ્કોર 62/2 રન સુધી લઈ ગયા. આ દરમિયાન ન્યુઝીલેન્ડના પૂર્વ કેપ્ટન કેન વિલિયમસને નવો ઈતિહાસ રચ્યો હતો.
કેન વિલિયમ્સને ટેસ્ટમાં પૂરા કર્યા 9000 રન
પ્રથમ ઈનિંગમાં 93 રનની શાનદાર ઈનિંગ રમનાર કેન વિલિયમસને ન્યુઝીલેન્ડની બીજી ઇનિંગ દરમિયાન પોતાનો 26મો રન પૂરો કરતાની સાથે જ ટેસ્ટમાં 9000 રન પૂરા કરી લીધા હતા. આ સાથે વિલિયમસન 9000 ટેસ્ટ રન બનાવનાર ન્યુઝીલેન્ડનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. આ પહેલા કોઈ કિવી બેટ્સમેન આ આંકડાને સ્પર્શી શક્યો નથી. કેન ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં 9 હજાર કે તેથી વધુ રન બનાવનાર વિશ્વનો 19મો બેટ્સમેન બન્યો છે.
કેન વિલિયમસને તેની 103મી ટેસ્ટ મેચમાં આ ઐતિહાસિક માઈલસ્ટોન હાંસલ કર્યો હતો. તેણે 182મી ઈનિંગમાં 9000 રન પૂરા કર્યા છે. આ રીતે તે ટેસ્ટમાં સૌથી ઝડપી 9000 રન પૂરા કરનાર 5મો બેટ્સમેન બન્યો છે. કેન પહેલા સ્ટીવ સ્મિથ, બ્રાયન લારા, કુમાર સંગાકારા અને યુનિસ ખાનનું નામ આ યાદીમાં છે.
સૌથી ઝડપી 9000 ટેસ્ટ રન
- સ્ટીવ સ્મિથ - 99 મેચ
- બ્રાયન લારા - 101 મેચ
- કુમાર સંગાકારા - 103 મેચ
- યુનિસ ખાન - 103 મેચ
- કેન વિલિયમસન - 103 મેચ








