T20 વર્લ્ડ કપ 2024માંથી જેસન હોલ્ડર થયો બહાર, વેસ્ટ ઈન્ડિઝે રિપ્લેસમેન્ટ ખેલાડીની કરી જાહેરાત
વેસ્ટ ઈન્ડિઝની ટીમને તેના T20 વર્લ્ડ કપ અભિયાન પહેલા મોટો ફટકો પડ્યો છે, કારણ કે ટીમનો અનુભવી ઓલરાઉન્ડર જેસન હોલ્ડર ઈ

વેસ્ટ ઈન્ડિઝની ટીમને તેના T20 વર્લ્ડ કપ અભિયાન પહેલા મોટો ફટકો પડ્યો છે, કારણ કે ટીમનો અનુભવી ઓલરાઉન્ડર જેસન હોલ્ડર ઈજાના કારણે ઘરઆંગણે યોજાનારી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે તેના રિપ્લેસમેન્ટની પણ જાહેરાત કરી દીધી છે. દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી ટી20 શ્રેણીમાં રમી રહેલા ડાબોડી ઝડપી બોલર ઓબેદ મેકકોયને હોલ્ડરના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
કાઉન્ટી ક્રિકેટ રમતી વખતે જેસન હોલ્ડર ઈજાગ્રસ્ત થયો હતો. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે તેને ક્યાં ઈજા થઈ છે અને તે ક્યારે સાજો થશે તે અંગે કોઈ માહિતી આપી નથી. મુખ્ય પસંદગીકાર ડેસમંડ હેન્સે કહ્યું, "જેસન હોલ્ડર અમારી ટીમમાં એક અનુભવી ખેલાડી છે. તેની ગેરહાજરી નિઃશંકપણે મેદાનની અંદર અને બહાર બંને જગ્યાએ અનુભવાશે. અમે આશા રાખીએ છીએ કે તે ખૂબજ જલદીથી સંપૂર્ણ ફિટ થઈ જશે."
વેસ્ટ ઈન્ડિઝ બોર્ડે પાંચ રિઝર્વ ખેલાડીઓનો પૂલ પણ બનાવ્યો છે, જેઓ T20 વર્લ્ડ કપ 2024 દરમિયાન ટીમની આજુબાજુ રહેશે. અને જો જરૂર પડશે અથવા પછી કોઈને ઈજા થશે તો અંતિમ 15માં સામેલ કરવામાં આવશે. T20 વર્લ્ડ કપના સહ યજમાન અને બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝની ટીમ 2 જૂનથી પોતાના અભિયાનની શરૂઆત કરવા જઈ રહી છે. વેસ્ટ ઈન્ડિઝની પ્રથમ મેચ પાપુઆ ન્યુ ગિની સામે છે.
વેસ્ટ ઈન્ડિઝની ટીમ
રોવમેન પોવેલ (કેપ્ટન), અલ્ઝારી જોસેફ (વાઈસ-કેપ્ટન), જોન્સન ચાર્લ્સ, રોસ્ટન ચેઝ, શિમરોન હેટમાયર, શમર જોસેફ, બ્રૈન્ડન કિંગ, નિકોલસ પૂરન, શાઈ હોપ, આન્દ્રે રસેલ, રોમારીયો શેફર્ડ, ઓબેદ મેકકોય, અકીલ હુસૈન, ગુડાકેશ મોતી અને શેરફેન રધરફોર્ડ
રિઝર્વ ખેલાડીઓ: કાયલ મેયર્સ, મેથ્યુ ફોર્ડે, ફેબિયન એલન, હેડન વોલ્શ અને આન્દ્રે ફ્લેચર






