Women's World Cup 2025 / આજે ભારત માટે મુશ્કેલ મેચ, 7 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ખરાબ છે રેકોર્ડ

વિમેન્સ વર્લ્ડ કપ 2025ની 13મી મેચ આજે ભારતીય વિમેન્સ અને ઓસ્ટ્રેલિયન વિમેન્સ ક્રિકેટ ટીમો વચ્ચે રમાશે. ટીમ ઈન્ડિયાનો આ અત્યાર સુધીનો ચોથો અને સૌથી મુશ્કેલ મુકાબલો છે. અગાઉની મેચમાં સાઉથ આફ્રિકા સામે હાર્યા બાદ હરમનપ્રીત કૌર અને તેની ટીમ પર વધારે દબાણ હશે. બીજી તરફ, એલિસા હેલીની કેપ્ટનશિપ હેઠળ ઓસ્ટ્રેલિયાની ટીમ ખૂબ જ મજબૂત દેખાય રહી છે, ટુર્નામેન્ટમાં હજુ સુધી ટીમે એક પણ મેચ નથી હારી. ભારત સામે ઓસ્ટ્રેલિયાનો હેડ-ટુ-હેડ રેકોર્ડ પણ ખૂબ જ સારો છે.
વિમેન્સ વર્લ્ડ કપ 2025માં શનિવારે ઈંગ્લેન્ડ શ્રીલંકાને 89 રનથી હરાવીને પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. ઓસ્ટ્રેલિયા ત્રણ મેચમાંથી બે જીત અને વરસાદને કારણે એક મેચ રદ્દ થયા બાદ 5 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. જ્યારે ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમ ચાર પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે, જેણે તેની ત્રણ મેચમાંથી બે જીતી અને એક હારનો સામનો કર્યો છે.
ઓસ્ટ્રેલિયા 7 વખત ચેમ્પિયન છે
વિમેન્સ ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ ટાઈટલ જીતવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયા પાસે છે, ટીમ 7 વખત ચેમ્પિયન રહી છે. ઈંગ્લેન્ડ ત્રણ વખત અને ન્યુઝીલેન્ડ એક વખત જીત્યું છે. ભારતીય વિમેન્સ ટીમ બે વાર ફાઈનલમાં પહોંચી છે, પરંતુ બંને વખત ટાઈટલ જીતવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે.
ODIમાં બંને ટીમનો હેડ-ટુ-હેડ રેકોર્ડ
- કુલ મેચ: 59
- ભારત જીત્યું: 11
- ઓસ્ટ્રેલિયા જીત્યું: 48
મેચ ક્યારે અને ક્યાં રમાશે?
આ મેચ આજે એટલે કે 12 ઓક્ટોબરના રોજ બપોરે 3:00 વાગ્યે શરૂ થશે, જેમાં ટોસ 2:30 વાગ્યે થશે. આ મેચ વિશાખાપટ્ટનમના ડો. વાય.એસ. રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાશે.
મેચ ક્યાં જોઈ શકાશે?
વિમેન્સ વર્લ્ડ કપ 2025ની મેચ સ્ટાર સ્પોર્ટ્સ પર લાઈવ ટેલિકાસ્ટ થઈ રહી છે. લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar એપ અને વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

