IND-W vs SA-Wની મેચ બાદ ICC એ આ ખેલાડી સામે લીધી એક્શન, મેદાન પર કરી હતી આવી હરકત

વિમેન્સ વર્લ્ડ કપ 2025માં ભારતીય વિમેન્સ ટીમ સાઉથ આફ્રિકાની વિમેન્સ ટીમ સામે 3 વિકેટથી હારી ગઈ હતી. ભારતીય બેટ્સમેન આ મેચમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ટીમ ઈન્ડિયાએ મેચમાં 251 રન બનાવ્યા. ત્યારબાદ સાઉથ આફ્રિકાએ નદિન ડી ક્લાર્ક અને કેપ્ટન લૌરા વોલ્વાર્ડની ઈનિંગ્સને કારણે સરળતાથી ટાર્ગેટ ચેઝ કરી લીધો. મેચ બાદ, ICC એ આફ્રિકન સ્પિનર નોનકુલુલેકો મ્લાબા સામે કાર્યવાહી કરી છે.
મ્લાબા દોષિત સાબિત થઈ
ICCની પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે નોનકુલુલેકો મ્લાબાને ખેલાડીઓ અને ખેલાડી સહાયક કર્મચારીઓ માટે ICC આચાર સંહિતાની કલમ 2.5ના ઉલ્લંઘન બદલ દોષિત ઠેરવવામાં આવી છે, જે આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન અપમાનજનક ભાષા, ક્રિયાઓ, હાવભાવનો ઉપયોગ કરવા અથવા બેટ્સમેનના આઉટ થવા પર આક્રમક પ્રતિક્રિયા આપવા સંબંધિત છે.
ICC એ મ્લાબા સામે કાર્યવાહી કરી
ભારતીય વિમેન્સ અને સાઉથ આફ્રિકા વિમેન્સ ટીમ વચ્ચેની મેચમાં, જ્યારે હરલીન દેઓલ 17મી ઓવરમાં આઉટ થઈ ત્યારે નોનકુલુલેકો મ્લાબા એ બાય કહેતી હોય ટેવો ઈશારો કર્યો હતો. ICC એ હવે તેને ગણાવી છે અને મ્લાબાને ઠપકો આપ્યો છે, તેના રેકોર્ડમાં એક ડિમેરિટ પોઈન્ટ ઉમેર્યો છે, કારણ કે 24 મહિનાના સમયગાળામાં આ તેનો પહેલો ગુનો હતો.
ભારતીય ટીમ હારી ગઈ મેચ
ભારતીય વિમેન્સ ટીમે પ્રથમ બેટિંગ કરતા કુલ 251 રન બનાવ્યા હતા. લોઅર ઓર્ડરમાં રમવા આવેલી રિચા ઘોષે શાનદાર ઈનિંગ રમી અને 77 બોલમાં 94 રન બનાવ્યા, જેમાં 11 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. તેના યોગદાનથી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચવામાં મદદ મળી. ત્યારબાદ આફ્રિકન ટીમે માત્ર 81 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. આ સમયે એવું લાગતું હતું કે ભારતીય ટીમ સરળતાથી મેચ જીતી જશે. પરંતુ પછી નદિન ડી ક્લાર્કની 54 બોલમાં 84 રન ની ઈનિંગે આફ્રિકન ટીમને જીત અપાવી.

