IND vs WI / વિરાટ કોહલી જે ન કરી શક્યો તે શુભમન ગિલે કરી દેખાડ્યું, સદી ફટકારતા જ બનાવ્યો રેકોર્ડ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું. યશસ્વી જયસ્વાલે પહેલા 175 રનની શાનદાર ઈનિંગ રમી, જ્યારે બીજા દિવસે કેપ્ટન શુભમન ગિલે સદી ફટકારી. આ સદી સાથે, ગિલે એક એવી સિદ્ધિ હાંસલ કરી જે કેપ્ટન તરીકે વિરાટ કોહલી પણ હાંસલ નહતો કરી શક્યો.
ગિલે એક ખાસ સિદ્ધિ હાંસલ કરી
કેપ્ટન શુભમન ગિલે દિલ્હી ટેસ્ટમાં શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું. કેપ્ટન તરીકે આ તેની બીજી ટેસ્ટ સિરીઝ છે, પરંતુ તેણે તેની બીજી જ ટેસ્ટ સિરીઝમાં નોંધપાત્ર સફળતા મેળવી લીધી છે. શુભમન ગિલે બીજી ટેસ્ટના બીજા દિવસે તેની ટેસ્ટ કારકિર્દીની 10મી સદી ફટકારી, જ્યારે કેપ્ટન તરીકે આ તેની પાંચમી સદી હતી. માત્ર 12 ઈનિંગ્સમાં ગિલે કેપ્ટન તરીકે 5 સદી ફટકારવાની નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. વિરાટ કોહલી પણ તેની કારકિર્દીમાં આટલું ઝડપથી 5 ટેસ્ટ સદી નહતો ફટકારી શક્યો.
જોકે, ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં, ટેસ્ટ કેપ્ટન તરીકે સૌથી ઝડપી પાંચ સદીનો રેકોર્ડ મહાન સુનિલ ગાવસ્કરના નામે છે, જેમણે 10 ઈનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. જ્યારે વિશ્વ ક્રિકેટમાં, આ રેકોર્ડ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂકના નામે છે, જેણે 9 ઈનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.
કેલેન્ડર વર્ષમાં 5 ટેસ્ટ સદી
શુભમન ગિલના નામે હવે 10 ટેસ્ટ સદી છે. આમાંથી પાંચ સદી ગિલે એક જ કેલેન્ડર વર્ષમાં ફટકારી છે. વેસ્ટ ઈન્ડિઝ સામે ગિલની આ પહેલી ટેસ્ટ સદી છે. વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયા માટે એક કેલેન્ડર વર્ષમાં બે વાર 5 સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી છે. કોહલીએ 2013 અને 2017માં આ સિદ્ધિ હાંસલ કરી હતી.
ભારતે ઈનિંગ ડિકલેર કરી
દિલ્હી ટેસ્ટના બીજા દિવસે, ટીમ ઈન્ડિયાએ 518 રન બનાવ્યા પછી પોતાની ઈનિંગ ડિકલેર કરી હતી. ટીમ ઈન્ડિયાને બીજા સેશનમાં ધ્રુવ જુરેલના રૂપમાં પાંચમો ઝટકો લાગ્યો હતો. જુરેલ 44 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે કેપ્ટન ગિલ 129 રન બનાવીને અણનમ રહ્યો હતો.

