ભારતે બીજી સેમીફાઈનલમાં બાંગ્લાદેશને હરાવ્યું, ગોલ્ડ મેડલ મેચમાં શ્રીલંકા સાથે થશે ટક્કર

એશિયન ગેમ્સ 2026 મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટની બીજી સેમિફાઇનલમાં ભારતીય ટીમનો સામનો બાંગ્લાદેશ સામે થયો હતો. ભારતે બાંગ્લાદેશને 114 રનથી હરાવીને સિલ્વર મેડલ નિશ્ચિત કરી લીધું અને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય ટીમ હવે ગોલ્ડ મેડલ માટે અંતિમ મેચમાં શ્રીલંકા સામે ટકરાશે. આ સેમીફાઈનલમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 195 રન બનાવ્યા. જવાબમાં, બાંગ્લાદેશ 15.4 ઓવરમાં 81 રનમાં ઓલઆઉટ થઈ ગયું.
શેફાલી વર્માએ શાનદાર સદી ફટકારી
શેફાલી વર્માએ શાનદાર બેટિંગ કરતા બાંગ્લાદેશ સામે શાનદાર સદી ફટકારી. તેણે છેલ્લા બોલમાં 1 રન લઈને 49 બોલમાં 100 રન બનાવ્યા, જેમાં 3 ચોગ્ગા અને 9 છગ્ગાનો સમાવેશ થાય છે. તે અંત સુધી અણનમ રહી. વ્હાઈટ બોલ ક્રિકેટમાં આ તેની પહેલી સદી છે, આ તેને એશિયન ગેમ્સમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની છે. તેના સિવાય ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ 37 રન (19 બોલ) અને કેપ્ટન હરમનપ્રીત કૌરે 40 રન (33 બોલ) બનાવ્યા. આ દરમિયાન, કમાલિન ફક્ત 3 રન અને રિચા ઘોષ 2 રન બનાવીને આઉટ થઈ, જ્યારે ભારતી ફુલમાલી 9 રન બનાવી અણનમ રહી. બાંગ્લાદેશ તરફથી મારુફા અખ્તર, શાંજીદા અખ્તર, રાબેયા ખાન અને નાહિદા અખ્તરે 1-1 વિકેટ લીધી.
નંદિની શર્મા અને દીપ્તિ શર્માએ 3-3 વિકેટ લીધી
બાંગ્લાદેશની શરૂઆત ખરાબ રહી. ટીમને બીજી ઓવરના પહેલા બોલ પર પહેલો ઝટકો લાગ્યો જ્યારે ઝુએરિયા ફિરદોસ ગોલ્ડન ડક પર આઉટ થઈ ગઈ. ત્યારબાદ, વિકેટો પડતી રહી. ઓપનર દિલીરા અખ્તર, શર્મીન અખ્તર (10 રન) અને સુલતાના ખાતુન (12 રન) સિવાય અન્ય કોઈ બેટ્સમેન બેવડા આંકડા સુધી ન પહોંચી શકી. દિલીરા 23 બોલમાં 27 રન બનાવીને આઉટ થઈ. આ ઈનિંગમાં તેણે ચાર ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યો. બાકીની બેટ્સમેન ક્રીઝ પર ન ટકી શકી. ભારત તરફથી બોલિંગમાં નંદિની શર્મા અને દીપ્તિ શર્મા મુખ્ય હતા, જેમણે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.
ફાઈનલ મેચ 22 સપ્ટેમ્બરે રમાશે
શ્રીલંકાએ પહેલી સેમીફાઈનલમાં પાકિસ્તાનને આઠ વિકેટથી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ભારત અને શ્રીલંકા હવે ગોલ્ડ મેડલ માટે ફાઈનલમાં એકબીજાનો સામનો કરશે. આ મેચ 22 સપ્ટેમ્બરે રમાશે. વિજેતા ટીમ ગોલ્ડ મેડલ જીતશે, જ્યારે હારનારી ટીમને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડશે. પાકિસ્તાન બ્રોન્ઝ મેડલ માટે બાંગ્લાદેશનો સામનો કરશે.

