IND vs NZ / બોલર કે બેટ્સમેન ઈન્દોરમાં કોનો રહેશે દબદબો? જાણો કેવી હશે હોલ્કર સ્ટેડિયમની પિચ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચની ODI સિરીઝ નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે. આ સિરીઝની છેલ્લી મેચ 18 જાન્યુઆરી, રવિવારના રોજ ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમ ખાતે રમાશે. સિરીઝ હાલમાં 1-1થી બરાબર છે, તેથી ઈન્દોરમાં જીતનાર ટીમ ત્રીજી ODI જીતશે. બંને ટીમો કોઈપણ કિંમતે ત્રીજી ODI જીતવાનો પ્રયાસ કરશે.
ઈન્દોરના સ્ટેડિયમની વાત કરીએ તો તે તેની સપાટ પિચ અને ટૂંકી બાઉન્ડ્રી માટે જાણીતું છે. પરિણામે આ મેદાન પર ઘણીવાર હાઈ સ્કોરિંગ મેચ જોવા મળે છે. ઠંડી અને ઝાકળના પરિબળને ધ્યાનમાં રાખીને ત્રીજી ODIમાં પણ ટોસ નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.
પિચની સ્થિતિ
ઈન્દોરના સ્ટેડિયમની પિચને ભારતની શ્રેષ્ઠ બેટિંગ પિચોમાંથી એક માનવામાં આવે છે. સપાટી ખૂબ જ ફ્લેટ છે, જેનાથી બોલ અને બેટ વચ્ચે સારો સંપર્ક થાય છે, જેનાથી બેટ્સમેન માટે શોટ રમવાનું સરળ બને છે. મેચની શરૂઆતમાં બોલ થોડો સ્વિંગ થાય છે. જેમ જેમ મેચ આગળ વધે છે તેમ તેમ બેટ્સમેનોનું કામ સરળ બને છે.
હવામાનની સ્થિતિ
રવિવારે ઈન્દોરમાં હવામાન મેચ માટે અનુકૂળ રહેશે. આકાશ સ્વચ્છ રહેશે અને વરસાદની કોઈ શક્યતા નથી. ફેન્સને આખી મેચ જોવા મળશે. દિવસનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. જોકે, સૂર્યાસ્ત થતાં થોડી ઠંડીનો અનુભવ થઈ શકે છે. ઝાકળના કારણે બીજી ઈનિંગમાં બોલિંગ કરનારી ટીમને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
કાળી માટીનો ઉપયોગ
પિચ ક્યુરેટરે જણાવ્યું હતું કે, પિચમાં કાળી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઈન્દોરમાં ભૂતકાળમાં હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી છે. દર્શકો રવિવારે પણ આવું જ જોઈ શકે છે. ઝાકળ મેચ પર અસર કરી શકે છે, જેના કારણે ટીમને પાછળથી બોલિંગ કરવામાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ઝાકળને કારણે માટી બોલને થોડો હોલ્ડ કરે છે. પરિણામે, તે બેટ પર સારી રીતે આવે છે, જેનાથી બેટ્સમેન માટે શોટ રમવાનું સરળ બને છે.

