VIDEO / અંડર-19 વર્લ્ડ કપ 2026માં પહોંચ્યો 'નો હેન્ડશેક' વિવાદ, ટોસ સમયે ભારત-બાંગ્લાદેશના ખેલાડીએ ન મિલાવ્યા હાથ

અંડર-19 વર્લ્ડ કપ 2026માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ પ્રથમ બોલ ફેંકાય તે પહેલા જ વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની ગઈ, કારણ કે બંને ટીમોના ખેલાડીએ ટોસ વખતે હાથ મિલાવવાનું ટાળ્યું હતું. ભારતના કેપ્ટન આયુષ મ્હાત્રે અને બાંગ્લાદેશના વાઈસ-કેપ્ટન ઝવાદ અબરારે ટોસ વખતે હાથ નહતા મિલાવ્યા, જે બંને દેશો વચ્ચે વધતા રાજદ્વારી અને ક્રિકેટ તણાવને પ્રતિબિંબિત કરે છે. આ ક્ષણ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ.
નિયમિત કેપ્ટન ટોસ માટે ન આવ્યો
ટોસનું એક વિચિત્ર પાસું એ હતું કે બાંગ્લાદેશના નિયમિત કેપ્ટન અઝીઝુલ હકીમની જગ્યાએ વાઈસ કેપ્ટન ઝવાદ અબરાર ટોસ માટે આવ્યો હતો. વરસાદના વિલંબ પછી અબરારે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
પાકિસ્તાનની ટીમ સાથે પણ હાથ નહતા મિલાવ્યા
જોકે ટોસની ચર્ચા પ્રોફેશનલ હતી અને ક્રિકેટના પરિબળો પર કેન્દ્રિત હતી, પરંતુ હાથ ન મિલાવવાની ઘટનાએ મેચના વાતાવરણ પર અસર પાડી હતી. આ ઘટના એશિયા કપ 2025 અને વિમેન્સ વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ટીમો સાથે સંકળાયેલી ઘટનાઓ જેવી જ છે, જ્યાં રાજકીય તણાવને કારણે પાકિસ્તાનની ટીમ સાથે હાથ મિલાવવાનું ટાળવામાં આવ્યું હતું. એવું લાગે છે કે તાજેતરના રાજદ્વારી મતભેદો વચ્ચે આ વલણ હવે બાંગ્લાદેશની ટીમ સાથે પણ ચાલશે.
બંને બોર્ડ વચ્ચે તણાવ
બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને KKR દ્વારા IPL 2026 માટે ટીમમાંથી રિલીઝ કરવા અને મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટેના સ્થળો અંગેના વિવાદ જેવા મુદ્દાઓને કારણે BCCI અને BCB વચ્ચેના સંબંધોમાં તણાવ આવ્યો છે. મેદાનની બહારનો આ મુદ્દા સ્પષ્ટપણે યુવા સ્તરે પણ પહોંચી ગયો છે.

