Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : India started the World Cup with a win

INDVsSL: જીત સાથે ભારતે મહિલા વર્લ્ડકપની કરી શરૂઆત, પ્રથમ મેચમાં શ્રીલંકાને હરાવ્યું

Timeછેલ્લું અપડેટ : 01 Oct 2025
લાઇવ ટીવીGoogle News
INDVsSL: જીત સાથે ભારતે મહિલા વર્લ્ડકપની કરી શરૂઆત, પ્રથમ મેચમાં શ્રીલંકાને હરાવ્યું
સોર્સ : Google

ICC મહિલા વર્લ્ડ કપ 2025 શરૂ થઈ ગયો છે. ટુર્નામેન્ટની પહેલી મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે ગુવાહાટીના ACA સ્ટેડિયમમાં રમાઈ હતી. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમે આ મેચ જીતી લીધી હતી. આ સાથે ટીમ ઈન્ડિયા ટુર્નામેન્ટમાં મજબૂત શરૂઆત કરવામાં સફળ રહી. આ મેચમાં ટીમ ઈન્ડિયાની જીતના હીરો અમનજોત કૌર અને દીપ્તિ શર્મા રહ્યા. બંને ખેલાડીઓએ બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું.

App Store

ટીમ ઈન્ડિયાએ મોટો સ્કોર બનાવ્યો

આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, અને તેઓ સારી શરૂઆત કરવામાં સફળ રહ્યા. સ્મૃતિ મંધાના 10 બોલમાં 8 રન બનાવીને આઉટ થઈ ગઈ. ત્યારબાદ હરલીન દેઓલ અને પ્રતિકા રાવલે ટીમનો સ્કોર 81 સુધી પહોંચાડ્યો, જેમાં પ્રતિકા રાવલે 37 રન બનાવ્યા. જોકે, ત્યારબાદ ભારતીય ઇનિંગ્સ પડી ભાંગી. ટીમ ઈન્ડિયાએ 124 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી. અમનજોત કૌર અને દીપ્તિ શર્માએ ઇનિંગ્સને સ્થિર કરી.

અમનજોત કૌર અને દીપ્તિ શર્માએ 7મી વિકેટ માટે 103 રન ઉમેર્યા. અમનજોત કૌરે 56 બોલમાં 57 રન બનાવ્યા, જેમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. દીપ્તિ શર્માએ પણ 53 બોલમાં 3 ચોગ્ગા સાથે 53 રન બનાવ્યા. ત્યારબાદ સ્નેહ રાણાએ 15 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે અણનમ 28 રન બનાવ્યા. ભારતે 47 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 269 રન બનાવ્યા.

શ્રીલંકાની બેટિંગ નિષ્ફળ ગઈ

વરસાદને કારણે શ્રીલંકાને મેચ જીતવા માટે 47 ઓવરમાં 271 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જવાબમાં શ્રીલંકાએ સારી શરૂઆત કરી, ઓપનિંગ જોડીએ 30 રન ઉમેર્યા. એક સમયે શ્રીલંકાએ 2 વિકેટ ગુમાવીને 103 રન બનાવ્યા હતા. જોકે, ત્યારબાદ ભારતીય બોલરોએ જોરદાર વાપસી કરી અને શ્રીલંકાની ઇનિંગને ભૂક્કો કરી નાખી. આખી ટીમ ફક્ત 45.4 ઓવર રમી શકી અને 211 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

ભારત તરફથી દીપ્તિ શર્મા સૌથી સફળ બોલર રહી. તેણે 10 ઓવરમાં 54 રન આપીને 3 વિકેટ લીધી. સ્નેહ રાણા અને શ્રી ચરણીએ પણ 2-2 વિકેટ લીધી. ક્રાંતિ ગૌર, અમનજોત કૌર અને પ્રતિકા રાવલે 1-1 વિકેટ લીધી.