એશિયા કપની ટ્રૉફી કેમ ના સોપી? રાજીવ શુકલાના સવાલ પર નકવીએ કહ્યું- હું ત્યાં કાર્ટુનની જેમ...

એશિયન ક્રિકેટ પરિષદ (ACC)ની બેઠકમાં ભારતે એશિયા કપ ફાઇનલ બાદ આયોજિત મેચ એવોર્ડ સેરેમની દરમિયાન ભારતને ટ્રોફી ના સોપવા પર વિરોધ નોંધાવ્યો છે. આ દરમિયાન ભારતે ACC અધ્યક્ષ મોહસીન નકવીની હરકતોને લઇને ફટકાર લગાવી હતી.
BCCIનું પ્રતિનિધિત્ત્વ કરી રહેલા ઉપાધ્યક્ષ રાજીવ શુકલાએ બેઠકમાં મોહસીન નકવીને સીધો સવાલ પૂછ્યો હતો. રાજીવ શુકલાએ કહ્યું-"વિજેતા ટીમને ટ્રોફી કેમ ના સોપવામાં આવી?આ ACCની ટ્રોફી છે, કોઇ એક વ્યક્તિની ખાનગી સંપત્તિ નથી, તેને ઔપચારિક રીતે વિજેતા ટીમને સોપવી જોઇતી હતી."
રાજીવ શુકલાએ આ મુદ્દાને હલ કરવાની જરૂર હોવાનું જણાવ્યું અને ACCને કહ્યું કે તેના પર ગંભીરતાથી કાર્યવાહી કરવી જોઇએ. રાજીવ શુકલાએ બેઠકમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના પ્રમુખ અને ACC ચેરમેન મોહસીન નકવીને સવાલ પૂછ્યા હતા.
મોહસીન નકવીની દલીલ
બેઠક દરમિયાન મોહસીન નકવીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, "હું તો કોઇ કારણ વગર કાર્ટુનની જેમ ઉભો હતો. ACCને લેખિતમાં ક્યાયથી પણ એવી સૂચના આપવામાં આવી નહતી કે ભારતીય ટીમ મારી પાસેથી ટ્રોફી નહીં સ્વીકારે."જોકે, જ્યારે ભારતીય પ્રતિનિધિઓએ સવાલ ઉઠાવ્યા તો નકવીએ જવાબ આપ્યો કે આ મુદ્દા પર ચર્ચા અહીં નહીં પણ કોઇ અન્ય સ્ટેજ પર થશે."
ટ્રોફી વગર પરત ફરી ટીમ ઇન્ડિયા
આ વિવાદ તે સમયે ઉભો થયો હતો જ્યારે એશિયા કપ ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને શાનદાર જીત મેળવી હતી. દુબઇમાં રમાયેલી ટુર્નામેન્ટમાં નાટકીય ઘટનાક્રમ જોવા મળ્યો હતો. નકવી વિજેતા ભારતીય ટીમને ટ્રોફીને સોપવાની જગ્યાએ તેને પોતાની સાથે લઇને જતા રહ્યા હતા. તે બાદ ભારતીય ટીમ ટ્રોફી વગર દેશમાં પરત ફરી હતી.

