294 મેચ, 380 વિકેટ... ટીમ ઈન્ડિયામાં લાંબા સમયથી નથી મળી તક, હવે સ્ટાર બોલરે જાહેર કરી નિવૃત્તિ

ટીમ ઈન્ડિયા માટે ODI વર્લ્ડ કપ 2015માં શાનદાર પ્રદર્શન કરનાર સ્ટાર બોલરે 3 ડિસેમ્બર, બુધવારે સાંજે અચાનક ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિ લઈ લીધી. અમે ભારતીય ફાસ્ટ બોલર મોહિત શર્મા વિશે વાત કરી રહ્યા છીએ. ખાસ વાત એ છે કે તેણે છેલ્લા બે-ત્રણ વર્ષમાં IPLમાં સારું પ્રદર્શન કર્યું હતું, જેનાથી વાપસીની આશા જાગી હતી. તેણે IPL 2023માં 27 અને IPL 2024માં 13 વિકેટ લીધી હતી. જોકે, તેને ટીમ ઈન્ડિયામાં તક નહતી મળી અને હવે મોહિતે ક્રિકેટના તમામ સ્વરૂપોને અલવિદા કહી દીધું છે.
મોહિત શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને નિવૃત્તિ લેવાના નિર્ણયની જાહેરાત કરી. તેની પોસ્ટમાં, તેણે લખ્યું, "આજે હું ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી મારી નિવૃત્તિની જાહેરાત કરું છું. હરિયાણાનું પ્રતિનિધિત્વ કરવાથી લઈને ભારતીય જર્સી પહેરવા અને IPLમાં રમવા સુધી, મારી સફર હંમેશા આશીર્વાદરૂપ રહી છે. મારી કારકિર્દીનો આધાર બનવા બદલ હરિયાણા ક્રિકેટ એસોસિએશનનો આભાર."
તેણે આગળ લખ્યું, "BCCI, મારા કોચ, મારા સાથી ખેલાડીઓ, IPL ફ્રેન્ચાઈઝી, સપોર્ટ સ્ટાફ અને મારા બધા મિત્રોનો તેમના પ્રેમ અને સમર્થન માટે આભાર. મારા મૂડ સ્વિંગ અને ગુસ્સાને સહન કરવા અને દરેક પરિસ્થિતિમાં હંમેશા મને સપોર્ટ આપવા બદલ મારી પત્નીનો ખાસ આભાર. હવે, હું નવી જવાબદારીઓ સાથે રમતની સેવા કરવા માટે ઉત્સુક છું. Innings over gratitude forever...!"
મોહિત શર્માની કારકિર્દી કેવી રહી છે?
મોહિત શર્માની કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે 2015માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તે પછી, તેણે ભારત માટે 26 ODI અને 8 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી. તેણે ભારત માટે ODIમાં 31 વિકેટ અને T20I મેચમાં 6 વિકેટ લીધી. તેની સમગ્ર કારકિર્દીની વાત કરીએ તો તેણે લિસ્ટ A, ફર્સ્ટ-ક્લાસ અને IPLમાં કુલ 380 વિકેટ લીધી છે.
મોહિત શર્માએ લિસ્ટ A મેચમાં કુલ 78 રમી છે, જેમાં 86 વિકેટ લીધી છે. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં તેણે 44 મેચમાં 127 વિકેટ લીધી છે. T20માં મોહિતે 172 મેચ રમી છે અને 167 વિકેટ લીધી છે. દરમિયાન, શર્માએ IPLમાં 120 મેચ રમી છે, જેમાં 134 વિકેટ લીધી છે. તેણે CSK સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને છેલ્લી IPL સિઝનમાં દિલ્હી કેપિટલ્સનો ભાગ હતો.

