રાયપુરમાં સદી ફટકારીને વિરાટ કોહલીએ બનાવ્યા 3 નવા રેકોર્ડ, આ મામલે બન્યો પહેલો ભારતીય બેટ્સમેન

વિરાટ કોહલી એક પછી એક સદી ફટકારીને નવા રેકોર્ડ્સ બનાવી રહ્યો છે. સાઉથ આફ્રિકા સામેની ODI સિરીઝમાં તેણે અત્યાર સુધી બંને મેચમાં સદી ફટકારી છે. તેણે રાંચીમાં 135 રન બનાવ્યા અને પછી રાયપુરમાં તેના બેટમાંથી 102 રનની સદીની ઈનિંગ નીકળી. પોતાની ODI કારકિર્દીની 53મી સદી ફટકારીને 'કિંગ કોહલી' એ ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે. તેણે એક વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે.
ODIમાં નંબર 3 પર સૌથી વધુ સદી
વિરાટ કોહલીએ તેની ODI કારકિર્દીનો મોટાભાગનો સમય નંબર 3 પર બેટિંગ કરી છે. તેણે હવે ODI ક્રિકેટમાં નંબર 3 પર બેટિંગ કરતી વખતે 46 સદી ફટકારી છે, આ સાથે તેણે એક જ બેટિંગ પોઝિશન પર સૌથી વધુ સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તે આ પહેલા સચિન તેંડુલકર સાથે બરાબરી પર હતો, તેંડુલકરે ઓપનર તરીકે બેટિંગ કરતા ODIમાં 45 સદી ફટકારી હતી. હવે વિરાટ કોહલી તેનાથી આગળ નીકળી ગયો છે.
સાઉથ આફ્રિકા સામે સૌથી વધુ 50+ સ્કોર
વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામે 33 ODI રમી છે, જેમાં 31 ઈનિંગ્સમાં 1741 રન બનાવ્યા છે. તે સાઉથ આફ્રિકા સામે સૌથી વધુ 50+ સ્કોર બનાવનાર ભારતીય બેટ્સમેન બન્યો છે. 31 ઈનિંગ્સમાં આ 15મી વખત હતું જ્યારે વિરાટે સાઉથ આફ્રિકા સામે 50 કે તેથી વધુ રન બનાવ્યા હોય. તેની પહેલા કોઈ ભારતીય બેટ્સમેન આ સિદ્ધિ નથી મેળવી શક્યો.
34 અલગ અલગ મેદાન પર ODI સદી
રાયપુરનું મેદાન 34મું વેન્યુ છે, જ્યાં વિરાટ કોહલીએ ODI સદી ફટકારી છે. વિરાટ કોહલીએ હવે સૌથી અલગ અલગ મેદાન પર સદી ફટકારવાના મામલે સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે. સચિન તેંડુલકરે પણ પોતાની ODI કારકિર્દીમાં 34 અલગ અલગ સ્થળોએ સદી ફટકારી હતી.

