ભારત-શ્રીલંકા પ્રથમ વનડે હવે દિલ્હી નહીં, આ શહેરમાં રમાશે; BCCIનો સત્તાવાર આદેશ

ભારત-શ્રીલંકા પ્રથમ વનડે હવે દિલ્હી નહીં, આ શહેરમાં રમાશે; BCCIનો સત્તાવાર આદેશ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ભારત અને શ્રીલંકા વચ્ચે ૧૩ ડિસેમ્બરે રમાનારી પ્રથમ વનડે મેચના સ્થળને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા મોટો ફેરફાર જાહેર કરવામાં આવ્યો છે. આ મુકાબલો અગાઉ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાવાનો હતો, પરંતુ હવે તે દિલ્હીથી શિફ્ટ કરીને આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ સ્થિત ડૉ. વાય.એસ. રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આયોજિત કરવાનો સત્તાવાર નિર્ણય લેવાયો છે.

BCCI તરફથી જારી કરવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA) દ્વારા સ્ટેડિયમમાં ચાલી રહેલા સમારકામના કામ તેમજ શિયાળા દરમિયાન દિલ્હીમાં હવાના પ્રદૂષણ (AQI)ની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને મેચ અન્ય સ્થળે ખસેડવા અનુરોધ કરવામાં આવ્યો હતો. ખેલાડીઓના સ્વાસ્થ્ય અને મેચના સફળ સંચાલનને પ્રાથમિકતા આપતાં બોર્ડે આ નિર્ણયને મંજૂરી આપી છે.

જાહેરાત

દિલ્હીના પ્રદૂષણનો જૂનો વિવાદ બન્યો ચર્ચાનો વિષય

ડિસેમ્બર મહિનામાં દિલ્હીમાં ધુમ્મસ અને વાયુ પ્રદૂષણનું સ્તર અત્યંત જોખમી સ્થિતિમાં પહોંચી જતું હોય છે. અગાઉ ૨૦૧૭માં જ્યારે શ્રીલંકાની ટીમ ભારત પ્રવાસે આવી હતી ત્યારે દિલ્હી ટેસ્ટ દરમિયાન પ્રદૂષણને કારણે શ્રીલંકન ખેલાડીઓ મેદાન પર માસ્ક પહેરીને રમતા જોવા મળ્યા હતા અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો ઉઠી હતી. આ વખતે આવી ક્ષોભજનક સ્થિતિ ટાળવા માટે અને ખેલાડીઓને સ્વચ્છ વાતાવરણ પૂરું પાડવા હેતુથી બોર્ડે વહેલી તકે વેન્યૂ બદલવાનો ફેંસલો કર્યો છે.

આ ફેરફાર સાથે ત્રણ મેચોની વનડે શ્રેણીની પ્રથમ મેચ હવે ૧૩ ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં રમાશે, જ્યારે બીજી વનડે ૧૬ ડિસેમ્બરે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે નિર્ધારિત કાર્યક્રમ મુજબ યોજાશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત