ભારતે દક્ષિણ આફ્રિકાને 17 રને હરાવ્યું; કોહલીની વન-ડે માં 52મી સદી, કુલદીપે લીધી 4 વિકેટ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજથી વનડે સીરિઝની શરૂઆત થઈ છે. આજે રાંચીમાં બંને ટીમો વચ્ચે સીરિઝની પ્રથમ મેચ રમાઈ હતી. જેમાં ભારતે સાઉથ આફ્રિકાને 17 રને હરાવી મેચ જીતી લીધી છે. આ સાથે સિરીઝમાં ભારત 1-0 થી આગળ થઇ ગયું છે. ભારતીય ટીમના સ્ટાર ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલીએ આજે શાનદાર બેટિંગ કરી હતી. વિરાટ કોહલીએ આજે શાનદાર સદી ફટકારીને અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે.
પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 349 રન બનાવ્યા હતા. ત્યાર બાદ 350 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાએ શાનદાર લડત આપી છતાં આખી ટીમ 332 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.
મેચમાં ભારતનું પ્રદર્શન
પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે સારું પ્રદર્શન કરતા 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 349 રન બનાવ્યા હતા. આ મેચમાં ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ રન બનાવ્યા હતા. વિરાટે 120 બોલમાં 135 રનની શાનદાર ઇનિંગ રમી હતી. વિરાટ ઉપરાંત રોહિત શર્મા અને કે.એલ. રાહુલે પણ સારી બેટિંગ કરી હતી. રોહિતે 51 બોલમાં 57 અને રાહુલે 56 બોલમાં 60 રન બનાવ્યા હતા.
બોલિંગની વાત કરીએ તો, કુલદીપ યાદવે 10 ઓવરમાં માત્ર 68 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. કુલદીપ સિવાય હર્ષિત રાણાએ પણ 3 વિકેટ ખેરવી હતી.
મેચમાં સાઉથ આફ્રિકાનું પ્રદર્શન
350 રનના વિશાળ ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમની શરુઆત સારી નહોતી. કેપ્ટન એડન માર્કરામ 15 બોલમાં માત્ર 7 રન બનાવીને આઉટ થયો હતો. આ ઉપરાંત રિયાન રિકલ્ટન અને ક્વિનટન ડિ કોક તો ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયનમાં ભેગા થયા હતા. જો કે, ત્યારબાદના બેટર્સે બાજી સંભાળી હતી. ચોથા ક્રમે આવેલા મેથ્યુ બ્રિત્ઝ્કે બોલમાં 72 રન અને માર્કો યાન્સને 39 બોલમાં 70 રન બનાવીને સાઉથ આફ્રિકા માટે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
બીજી બાજુ, બોલિંગમાં સાઉથ આફ્રિકાના બોલર્સે સારો દેખાવ કર્યો હતો. માર્કો યાન્સન, નાન્દ્રે બર્ગર, કોર્બિન બોશ અને ઓટનેઇલ બાર્ટમેને 2-2 વિકેટ ઝડપી હતી.
રોહિતનો વર્લ્ડ રેકોર્ડ
આ મેચમાં 3 છગ્ગા ફટકારતા જ રોહિત શર્મા વનડે ઈન્ટરનેશનલમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો ખેલાડી બની ગયો છે. અત્યાર સુધી આ રેકોર્ડ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીના નામે હતો. આફ્રિદીએ 398 મેચોમાં 351 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે રોહિત શર્માએ 277 મેચમાં 352 છગ્ગા ફટકારી આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
વિરાટ કોહલીની રેકોર્ડ્સની વણઝાર
વિરાટ કોહલીએ આજે ઈન્ટરનેશનલ કરિયરની 83મી અને વનડે ફોર્મેટની 52મી સદી ફટકારી. આ સાથે જ તેણે કોઈ પણ એક ઈન્ટરનેશનલ ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. આ ઉપરાંત તેણે સાઉથ આફ્રિકા સામે વનડેમાં સૌથી વધુ (6) સદી ફટકારવાનો અને વનડે ઇન્ટરનેશનલમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ પણ સર્જી દીધો છે.

