IND vs SA ટેસ્ટ: ગિલ બીજી ટેસ્ટ ચૂકશે? ગૌતમ ગંભીરે તેની ઈજા અંગે આપ્યું અપડેટ
કોલકાતામાં રમાયેલી પહેલી ટેસ્ટના બીજા દિવસે શુભમન ગિલ રિટાયર હર્ટ

કોલકાતામાં રમાયેલી પહેલી ટેસ્ટના બીજા દિવસે શુભમન ગિલ રિટાયર હર્ટ થયો હતો. પછી તે મેદાનમાં જોવા મળ્યો ન હતો. તેને ગરદનમાં દુખાવો થયો હતો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. કોલકાતા ટેસ્ટમાં ગિલની ગેરહાજરી અનુભવાઈ હતી, જ્યાં ભારત 124 રનના સામાન્ય લક્ષ્યનો પીછો કરવા ઉતર્યું છતાં 30 રનથી હારી ગયું હતું. મેચ બાદ, મુખ્ય કોચ ગૌતમ ગંભીરે એક પ્રેસ કોન્ફરન્સમાં ગિલની ઈજા અંગે મહત્વપૂર્ણ અપડેટ આપ્યું હતું.
ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, શુભમન ગિલની બીજી ટેસ્ટ માટે ઉપલબ્ધતા અસ્પષ્ટ છે. તેની ફિટનેસનું મૂલ્યાંકન કર્યા પછી જ અંતિમ નિર્ણય લેવામાં આવશે.
ગિલ વિશે ગૌતમ ગંભીરે શું કહ્યું
ગૌતમ ગંભીરે જણાવ્યું હતું કે, શુભમન ગિલ BCCI મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. કોચે કહ્યું, "તેઓ શુભમન ગિલની ફિટનેસનું મૂલ્યાંકન કરી રહ્યા છે. અમે જોઈશું કે શું થાય છે. ફિઝિયો ગિલની ઈજા અંગે નિર્ણય લેશે, અને અમારું આગળનું પગલું તેના આધારે હશે."
ઇડન ગાર્ડન્સની પિચનો બચાવ થયો
પ્રથમ ટેસ્ટમાં ઇડન ગાર્ડન્સની પિચ જેવી દેખાઈ તેની ટીકા થઈ રહી છે. જોકે, કોચ ગૌતમ ગંભીરે પિચનો બચાવ કરતા કહ્યું કે, તે બેટ્સમેનના સ્વભાવની કસોટી હતી. તેમણે કહ્યું કે, અહીં સાવચેતીથી રમવાની જરૂર હતી, થંભીને રમવાની જરૂર હતી, અટેકિંગ નહીં. ગંભીરે ટેમ્બા બાવુમા અને વોશિંગ્ટન સુંદરના ઉદાહરણો પણ ટાંક્યા.
ગંભીરે કહ્યું, આ પિચ બરાબર તે જ હતી જે અમે માંગી હતી. તેમાં કોઈ ખામીઓ નહોતી; તે સંપૂર્ણપણે રમવા યોગ્ય હતી. જો તેને ટર્નિંગ વિકેટ કહી રહ્યા છે, તો અહીં મોટાભાગની વિકેટ તો સીમર્સે લીધી.
નોંધનીય છે કે, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ શનિવાર, 22 નવેમ્બરના રોજ ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે શરૂ થશે.







