Asia Cup 2025 / વિવાદ બાદ આજે ફરી ટકરાશે ભારત-પાકિસ્તાન, જાણો ક્યાં અને ક્યારે જોઈ શકશો લાઈવ

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની છેલ્લી મેચ હાથ ન મિલાવવાના વિવાદને કારણે ચર્ચામાં હતી. પહેલગામ આતંકવાદી હુમલા પછી 14 સપ્ટેમ્બરના રોજ બંને ટીમો પહેલીવાર એકબીજા સામે આવી હતી. આ મેચ પહેલા, તેને બહિષ્કાર કરવાની માંગ ઉઠી હતી અને વિરોધ પ્રદર્શન પણ થયા હતા. જોકે ભારતે તે મેચ સરળતાથી જીતી લીધી હતી, પરંતુ મામલો ત્યાં જ સમાપ્ત નહતો થયો. હવે, જ્યારે એશિયા કપના સુપર-4 તબક્કામાં બંને ટીમો ફરી એકબીજા સામે આવશે, ત્યારે એ જોવું રસપ્રદ રહેશે કે ભારતીય અને પાકિસ્તાની ખેલાડીઓ કેવું વર્તન કરે છે.
ભારતીય ખેલાડીઓએ હાથ નહતો મિલાવ્યો
ગ્રુપ સ્ટેજની મેચ દરમિયાન, ભારતે પાકિસ્તાની ખેલાડીઓ પર કોઈ ધ્યાન નહતું આપ્યું. પહેલા તો ટોસ દરમિયાન, ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પરંપરા તોડીને પાકિસ્તાની કેપ્ટન સાથે હાથ નહતો મિલાવ્યો. મેચ સમાપ્ત થયા પછી પણ, ભારતીય ખેલાડીઓ પાકિસ્તાની ટીમ સાથે હાથ મિલાવ્યા વિના સીધા ડ્રેસિંગ રૂમમાં પાછા ફર્યા હતા. સૂર્યકુમાર અને હેડ કોચ ગૌતમ ગંભીરના આ પગલાને પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 26 લોકોના પરિવારોને સમર્થન આપવા તરીકે જોવામાં આવ્યું હતું. વિવાદ એટલો વધ્યો કે પાકિસ્તાનનો કેપ્ટન સલમાન આગા પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં હાજર ન રહ્યો.
ભારત વધુ એક પ્રભાવશાળી જીતનો લક્ષ્ય રાખશે
એવું માનવામાં આવે છે કે ભારતીય ટીમ આ રવિવારે તેના પાડોશી દેશ સામે આ નીતિ ચાલુ રાખશે, અને હાથ મિલાવવાની શક્યતા નહીં રહે, કારણ કે પાકિસ્તાની ખેલાડીઓ અને તેમના સમર્થકો આ મેચને હરીફાઈ તરીકે જોઈ રહ્યા છે. ભારતીય અને પાકિસ્તાની ટીમ જ્યારે એકબીજાનો સામનો કરે છે ત્યારે ખેલાડીઓ વચ્ચે તણાવ હંમેશા પ્રવર્તે છે, પરંતુ આ વખતે તે એક નવા સ્તરે પહોંચી ગયો છે. વિવાદ વચ્ચે, જ્યારે ભારતીય ટીમ પાકિસ્તાનનો સામનો કરશે, ત્યારે તે તેની સ્પિન ત્રિપુટી પર આધાર રાખીને તેના કટ્ટર હરીફ સામે વધુ એક પ્રભાવશાળી જીત મેળવવાનું લક્ષ્ય રાખશે.
મેચ ક્યારે રમાશે?
એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર-4 તબક્કાની મેચ રવિવાર, 21 સપ્ટેમ્બરના રોજ રમાશે.
મેચ ક્યાં રમાશે?
એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર-4 તબક્કાની મેચ દુબઈના દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.
મેચ કેટલા વાગ્યે શરૂ થશે?
એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર-4 તબક્કાની મેચ ભારતીય સમયાનુસાર રાત્રે 8:00 વાગ્યે શરૂ થશે. ટોસ અડધો કલાક પહેલા, ભારતીય સમયાનુસાર સાંજે 7:30 વાગ્યે થશે.
મેચ ક્યાં જોઈ શકો છો?
એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર 4 તબક્કાની મેચના પ્રસારણ અધિકારો સોની સ્પોર્ટ્સ નેટવર્ક પાસે છે. આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ સોની લિવ એપ પર ઉપલબ્ધ થશે.

