IND vs ENG / ખરાબ શરૂઆત બાદ ક્રીઝ પર ટકી રહ્યા રાહુલ અને ગિલ, ભારતના નામે રહ્યા છેલ્લા બે સેશન

માન્ચેસ્ટર ટેસ્ટમાં ત્રીજા દિવસ સુધી રમતથી દૂર દેખાતી ભારતીય ટીમે ચોથા દિવસના છેલ્લા 2 સેશન કબજે કર્યા. કેપ્ટન શુભમન ગિલ અને કેએલ રાહુલે લંચ બાદ ઈંગ્લેન્ડના બોલરોને કોઈ વિકેટ નહતી આપી.
એટલું જ નહીં, બંને વચ્ચે 174 રનની પાર્ટનરશિપ પણ થઈ. બંનેએ 60 ઓવર રમી અને લગભગ 4:30 કલાક સુધી બેટિંગ કરી. અગાઉ, બીજી ઈનિંગમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી. ભારતે 0ના સ્કોર પર 2 વિકેટ ગુમાવી દીધી હતી. યશસ્વી જયસ્વાલ અને સાઈ સુદર્શન પોતાનું ખાતું પણ નહતા ખોલી શક્યા.
ભારતીય ટીમ 137 રન પાછળ
ચોથા દિવસે લંચ સુધી, ભારતનો સ્કોર 3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 1 રન હતો. આ પછી કેએલ રાહુલ અને શુભમન ગિલે ઈનિંગની કમાન સંભાળી. ચોથા દિવસે રમતના અંત સુધી ભારતનો બીજી ઈનિંગમાં સ્કોર 174/2 છે. ભારતીય ટીમ હજુ પણ 137 રન પાછળ છે. કેએલ રાહુલ 87 રન અને શુભમન ગિલ 78 રન સાથે અણનમ છે.
બેન સ્ટોક્સે સદી ફટકારી
ત્રીજા દિવસના અંત સુધીમાં ઈંગ્લેન્ડનો સ્કોર 544/7 હતો. ચોથા દિવસની શરૂઆતમાં જસપ્રીત બુમરાહે લિયામ ડોસનને બોલ્ડ કર્યો. આ પછી રવિન્દ્ર જાડેજાએ કેપ્ટન બેન સ્ટોક્સને આઉટ કર્યો. ઈંગ્લેન્ડના કેપ્ટને 198 બોલમાં 144 રનની ઈનિંગ રમી હતી. બ્રાયડન કાર્સ 47 રન બનાવીને જાડેજાનો શિકાર બન્યો અને ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ ઈનિંગમાં 669 રન બનાવ્યા. જાડેજાએ 4 વિકેટ અને બુમરાહ-સુંદરે 2-2 વિકેટ લીધી હતી. આ સાથે ઈંગ્લેન્ડને 311 રનની લીડ મળી હતી.
ભારત માટે ખરાબ શરૂઆત
આ પછી, બીજી ઈનિંગમાં બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. ક્રિસ વોક્સે પહેલી જ ઓવરમાં સતત બે વિકેટો લીધી. જોકે, તે હેટ્રિક ન લઈ શક્યો. ભારતની બીજી ઈનિંગની પહેલી ઓવરના ચોથા બોલ પર, તેણે યશસ્વી જયસ્વાલને જો રૂટ દ્વારા કેચ આઉટ કરાવ્યો. પાંચમા બોલ પર, વોક્સે સાઈ સુદર્શનને પવેલિયન મોકલ્યો. ઓવરના છેલ્લા બોલ પર કેપ્ટન શુભમન ગિલ માંડ માંડ બચ્યો.
લંચ સુધી 1 રન બનાવનાર ભારતીય ટીમે ટી સુધી 86/2 રન બનાવ્યા હતા. કેપ્ટન ગિલે અડધી સદી ફટકારી જ્યારે કેએલ રાહુલ 30 રન બનાવીને અણનમ હતો. ટી પછી પણ, ભારતીય ટીમે કોઈ વિકેટ નહતી ગુમાવી. કેએલ રાહુલ અને શુભમન ગિલે ધીરજથી બેટિંગ કરીને ભારતને સારી સ્થિતિમાં પહોંચાડ્યું.

