મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

'રીલના ચક્કરમાં ભટકાઈ જશો...', એરપોર્ટ પર વૈભવ સૂર્યવંશીએ પાપારાઝીને આપી ચેતવણી, વીડિયો વાયરલ થયો

'રીલના ચક્કરમાં ભટકાઈ જશો...', એરપોર્ટ પર વૈભવ સૂર્યવંશીએ પાપારાઝીને આપી ચેતવણી, વીડિયો વાયરલ થયો
તસવીર: GSTV

ટીમ ઈન્ડિયાનો ઉભરતો સ્ટાર વૈભવ સૂર્યવંશી હાલમાં વિશ્વ ક્રિકેટમાં સૌથી વધુ ચર્ચિત ખેલાડીઓમાંનો એક છે. પોતાની વિસ્ફોટક બેટિંગથી દુનિયાને મોહિત કરનાર 15 વર્ષનો આ ખેલાડી ફરી એકવાર સમાચારમાં છે. જોકે, આ વખતે કારણ તેની બેટિંગ નથી, પરંતુ દિલ્હી એરપોર્ટ પર પાપારાઝીને આપેલી તેની ચેતવણી છે. વૈભવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તેમના કેમેરા સાથે ફોટા અને વીડિયો લેતાલોકોને સલાહ આપતો જોવા મળે છે કે તેઓ યોગ્ય રીતે ચાલવા અને વાહનો પસાર થવાથી સાવધ રહે.

વૈભવ સૂર્યવંશીની પાપારાઝીને ચેતવણી

વૈભવ સૂર્યવંશી ગુરુવારે (15 ઓક્ટોબર) એશિયન ગેમ્સ 2026માં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ સાથે નવી દિલ્હી પહોંચ્યો. ટીમ ઈન્ડિયા દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં આયોજિત સન્માન સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનું હતું. વૈભવ દિલ્હી એરપોર્ટ પર પહોંચતાની સાથે જ પાપારાઝીઓએ તેને ઘેરી લીધો, ફોટા પાડ્યા અને વીડિયો બનાવ્યા.

જોકે, વૈભવે ફોટોગ્રાફરોને નિરાશ ન કર્યા અને ફોટા પડાવ્યા. તે એરપોર્ટ પર બ્લેક હૂડી અને બ્લેક ટ્રેક પેન્ટ પહેરેલો જોવા મળ્યો. તેણે કેમેરા લઈને તેની આસપાસ ભેગા થયેલા લોકોને રસ્તા પર વાહનોથી સાવધ રહેવાની ચેતવણી પણ આપી. વૈભવે પાપારાઝીને કહ્યું, "રીલના ચક્કરમાં ભટકાઈ જશો તમે." આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, અને વૈભવની સ્ટાઇલ ચર્ચાનો વિષય બની ગઈ છે.

પીએમ મોદીએ વૈભવનો ઉલ્લેખ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે એશિયન ગેમ્સ 2026માં ગોલ્ડ જીતનાર ભારતીય પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમોને મળ્યા અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા. પોતાના સંબોધનમાં, પીએમ મોદીએ નાની ઉંમરે ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ખેલાડીઓની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે એશિયન ગેમ્સમાં 15થી 17 વર્ષની ઉંમરના ઘણા ભારતીય ખેલાડીઓએ દેશને સન્માન આપ્યું અને તેમના પ્રદર્શનથી લોકોના દિલ જીતી લીધા. પ્રધાનમંત્રીના આ શબ્દો સાંભળીને વૈભવ સૂર્યવંશીના ચહેરા પર સ્મિત આવી ગયું.

શું તેને નિર્ણાયક મેચમાં રમવાની તક મળશે?

વૈભવ સૂર્યવંશી હાલમાં વેસ્ટ ઈન્ડિઝ સામે પાંચ મેચની T20 સિરીઝ રમી રહેલી ભારતીય ટીમનો ભાગ છે. જોકે, વૈભવને પહેલી ચાર મેચમાં રમવાની તક નહતી મળી અને તે આખી સિરીઝ દરમિયાન બેન્ચ પર જ રહ્યો. સિરીઝ હાલમાં 2-2થી બરાબર છે અને પાંચમી અને નિર્ણાયક મેચ શનિવાર, 17 ઓક્ટોબરે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે. ફેન્સને આશા છે કે વૈભવને અંતિમ મેચમાં રમવાની તક મળી શકે છે. જોકે, પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવાની તેની શક્યતા ઓછી છે. ઈંગ્લેન્ડ સામે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરનાર વૈભવે અત્યાર સુધીમાં ભારત માટે આઠ મેચમાં 246 રન બનાવ્યા છે, જેમાં બે અડધી સદીનો સમાવેશ થાય છે.

આ સમાચાર શેર કરો