મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs ENG / જયસ્વાલ અને સુદર્શને ફટકારી અડધી સદી, પરંતુ પંતની ઈજાથી વધ્યું ભારતનું ટેન્શન

માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ખાતે ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચનો પહેલો દિવસ બુધવારે ભારત માટે મિશ્ર

IND vs ENG / જયસ્વાલ અને સુદર્શને ફટકારી અડધી સદી, પરંતુ પંતની ઈજાથી વધ્યું ભારતનું ટેન્શન

માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ખાતે ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચનો પહેલો દિવસ બુધવારે ભારત માટે મિશ્ર રહ્યો. બેટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ ટીમ ઈન્ડિયાએ સારી શરૂઆત કરી. યશસ્વી જયસ્વાલ અને સાઈ સુદર્શને અડધી સદી પણ ફટકારી, પરંતુ રિષભ પંતની ઈજાએ ભારતને પરેશાન કરી દીધું. દિવસની રમતના અંત સુધીમાં, ભારતે ચાર વિકેટ ગુમાવ્યા બાદ 264 રન બનાવ્યા છે.

યશસ્વી જયસ્વાલ અને સાઈ સુદર્શન અડધી સદી પૂરી કર્યા બાદ આઉટ થઈ ગયા હતા. ભારતની સ્થિતિ મજબૂત કરવા માટે બંનેમાંથી કોઈ એકે પણ મોટી ઈનિંગ રમવાની જરૂર હતી. યશસ્વીએ 107 બોલનો સામનો કર્યો અને 10 ચોગ્ગા અને એક છગ્ગોની મદદથી 58 રન બનાવ્યા હતા. પોતાની બીજી મેચ રમી રહેલા સુદર્શને 151 બોલનો સામનો કર્યો અને સાત ચોગ્ગાની મદદથી 61 રન બનાવ્યા હતા. પહેલા દિવસના અંત સુધી રવિન્દ્ર જાડેજા અને શાર્દુર ઠાકુર 19-19 રન પર અણનમ છે.

ભારતની મજબૂત શરૂઆત

આ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. જયસ્વાલ અને કેએલ રાહુલે ટીમને મજબૂત શરૂઆત અપાવી. બંનેએ પહેલા સેશનમાં એક પણ વિકેટ ન પડવા દીધી. બીજા સેશનની શરૂઆત થયાના થોડા સમય પછી, રાહુલ પવેલિયન પાછો ફર્યો અને અડધી સદી ચૂકી ગયો. ઓફ સ્ટમ્પ લાઈનથી રાહુલને વારંવાર પરેશાન કરતો ક્રિસ વોક્સ તેની વિકેટ લેવામાં સફળ રહ્યો. 30મી ઓવરનો છેલ્લો બોલ રાહુલના બેટની એજ લઈને સ્લિપમાં ગયો અને ઝેક ક્રોલીએ તેનો કેચ પકડ્યો. તેણે 98 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 46 રન બનાવ્યા હતા.

થોડા સમય પછી યશસ્વી પણ આઉટ થયો. આઠ વર્ષ પછી ઈંગ્લેન્ડની ટીમમાં પાછા ફરેલા લિયામ ડોસને પોતાની બીજી ઓવરમાં જયસ્વાલને આઉટ કર્યો. હેરી બ્રુકે સ્લિપમાં તેનો કેચ પકડ્યો. સ્ટોક્સે કેપ્ટન ગિલને લાંબો સમય ક્રીઝ પર ન રહેવા દીધો. સ્ટોક્સનો બોલ ગિલના પેડ પર વાગ્યો અને ઈંગ્લેન્ડે અપીલ કરી જે અમ્પાયરે સ્વીકારી લીધી. ભારતીય કેપ્ટને રિવ્યુ લીધો જે નિષ્ફળ ગયો.

પંતને ઈજા થઈ

આ દરમિયાન, સુદર્શન વિકેટ પર ટકેલો હતો. તેને વાઈસ-કેપ્ટન પંતનો સપોર્ટ મળી રહ્યો હતો. સ્કોર પણ 200 ને પાર કરી ગયો હતો. પછી પંતે વોક્સના બોલ પર રિવર્સ શોટ રમવાનો પ્રયાસ કર્યો. પરંતુ બોલ સીધો તેના જૂતા પર વાગ્યો. પંત પીડાથી કણસવા લાગ્યો. જ્યારે તેણે જૂતા ઉતાર્યા ત્યારે તેનો પગ ખરાબ રીતે ઘાયલ થયો. પંતને બહાર લઈ જવામાં આવ્યો.

સુદર્શને તેની અડધી સદી પૂર્ણ કરી હતી. તે દિવસના અંત સુધી રમશે તેવી અપેક્ષા હતી. જોકે, સ્ટોક્સે તેને પોતાની જાળમાં ફસાવી દીધો અને તેને બ્રાયડન કાર્સના હાથે કેચ આઉટ કર્યો. આ પછી, જાડેજા અને ઠાકુરે ભારતની વધુ વિકેટ ન પડવા દીધી.

આ સમાચાર શેર કરો