IND vs AUS / વરસાદને કારણે રદ્દ કરવામાં આવી છેલ્લી મેચ, ભારતે 2-1થી જીતી T20I સિરીઝ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 સિરીઝની છેલ્લી મેચ બ્રિસ્બેનના પ્રખ્યાત ગાબા મેદાન પર રમાઈ હતી. વરસાદને કારણે આ મેચ પૂર્ણ ન થઈ શકી અને આખરે તેને રદ્દ કરવામાં આવી હતી. T20 સિરીઝની પહેલી મેચ પણ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ બીજી મેચમાં ભારતને હરાવ્યું હતું. જોકે, ટીમ ઈન્ડિયાએ સતત બે જીત સાથે વાપસી કરી અને 2-1થી આ સિરીઝ જીતી લીધી.
બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં પાંચમી મેચ શરૂ થઈ હતી, પરંતુ ખરાબ હવામાન અને વીજળીના કારણે મેચ અટકાવવાની ફરજ પડી હતી. આ પછી, વરસાદ શરૂ થયો અને અત્કાયો નહીં, જેના કારણે મેચ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિચેલ માર્શે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે ભારતીય ઓપનર અભિષેક શર્મા અને શુભમન ગિલ બેટિંગ કરવા માટે ઉતર્યા હતા. બંને ખેલાડીઓએ પહેલી ઓવરથી જ આક્રમક બેટિંગ કરવાની શરૂ કરી દીધી હતી. મેચ અટકાવવામાં આવી ત્યાં સુધીમાં ભારતીય ટીમના 4.5 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 52 રન હતા.
આ મેચ રદ્દ થયા પહેલા બેટિંગ કરતા શુભમન ગિલે 16 બોલમાં 29 રન બનાવ્યા હતા, તેણે આ ઈનિંગમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા, જ્યારે બીજી તરફ અભિષેક શર્મા પણ સારી ઈનિંગ રમી રહ્યો હતો તેણે 13 બોલમાં 1 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 23 રન બનાવ્યા હતા.

