IND vs AUS / અભિષેક શર્માએ ગાબામાં પોતાના નામે કર્યો મોટો રેકોર્ડ, ઈનિંગમાં 11મો રન લેતા જ બનાવ્યો આ કિર્તિમાન

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20I સિરીઝની છેલ્લી મેચ બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના લેફટી ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. પાંચમી T20I મેચમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન મિચેલ માર્શે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ત્યારબાદ, અભિષેક શર્મા અને શુભમન ગિલની ભારતીય ઓપનિંગ જોડીએ આક્રમક શરૂઆત કરી. અભિષેકે પોતાની ઈનિંગનો 11મો રન પૂરો કરતાની સાથે જ એક મોટો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો.
અભિષેક શર્માએ ગાબા ખાતે ઓસ્ટ્રેલિયા સામેની T20I સિરીઝની પાંચમી મેચમાં પોતાની ઈનિંગનો 11મો રન પૂરો કર્યો, તે સાથે જ તે T20I સૌથી ઓછા બોલમાં 1000 રન પૂરા કરનાર ખેલાડી બની ગયો. અગાઉ, આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયન ખેલાડી ટિમ ડેવિડના નામે હતો, જેણે 569 બોલમાં 1000 T20I રન પૂરા કર્યા હતા. અભિષેક શર્માએ માત્ર 528 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. આ યાદીમાં ત્રીજા સ્થાને ભારતીય T20I કેપ્ટન સૂર્યકુમાર યાદવ છે, જેણે 573 બોલમાં 1000 T20I રન પૂરા કર્યા હતા.
T20Iમાં સૌથી ઓછા બોલમાં 1000 રન પૂરા કરનારા ખેલાડીઓ
- અભિષેક શર્મા (ભારત) - 528 બોલમાં
- ટિમ ડેવિડ (ઓસ્ટ્રેલિયા) - 569 બોલમાં
- સૂર્યકુમાર યાદવ (ભારત) - 573 બોલમાં
- ફિલ સોલ્ટ (ઈંગ્લેન્ડ) - 599 બોલમાં
કોહલી પછી અભિષેક શર્મા આ સિદ્ધિ હાંસલ કરનાર બીજો સૌથી ઝડપી ખેલાડી બન્યો
ભારતીય ટીમ માટે T20I મેચોમાં સૌથી ઓછી ઈનિંગ્સમાં 1000 રન પૂરા કરવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે, જેણે 27 ઈનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. હવે, અભિષેક શર્મા આ યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે, તેણે 28 ઈનિંગ્સમાં T20I મેચોમાં 1000 રન પૂરા કર્યા છે. 2025માં અત્યાર સુધી, અભિષેક શર્માએ બેટથી ઉત્તમ ફોર્મ દર્શાવ્યું છે, તેણે ટીમને મજબૂત શરૂઆત આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

