જ્યારે જોખમમાં હતું ચેતેશ્વર પૂજારાનું કરિયર, શાહરૂખ ખાને આવી રીતે મુશ્કેલ સમયમાંથી કાઢ્યો હતો બહાર

ભારતીય ટેસ્ટ ટીમની 'મોર્ડન વોલ' તરીકે ઓળખાતા ચેતેશ્વર પૂજારાનું ક્રિકેટ કરિયર એક સમયે જોખમમાં મુકાઈ ગયું હતું. જોકે, બોલિવૂડના સુપરસ્ટાર અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના માલિક શાહરૂખ ખાનની ફ્રેન્ચાઈઝીના સહયોગથી તે આ મુશ્કેલ સમયમાંથી બહાર આવી શક્યો હતો. પૂજારાની પત્ની પૂજાએ પોતાના પુસ્તકમાં આ અંગેનો ખુલાસો કર્યો છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે KKR મેનેજમેન્ટે કેવી રીતે પૂજારાને મુશ્કેલીના સમયમાં સાથ આપ્યો હતો.
ઘૂંટણની ગંભીર ઈજા અને કરિયર પર સંકટ
પૂજારાની પત્ની પૂજાએ પોતાના પુસ્તકમાં આ અંગેનો ખુલાસો કર્યો છે કે, આ ઘટના 2009ની છે, જ્યારે પૂજારા હજુ ભારતીય ટીમમાં નહતો જોડાયો અને ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી રહ્યો હતો. તેને શાહરૂખ ખાનની ફ્રેન્ચાઈઝી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) દ્વારા ખરીદવામાં આવ્યો હતો અને તે IPLમાં ડેબ્યુ કરવા માટે તૈયાર હતો.
KKRએ તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવાનું વચન પણ આપ્યું હતું. જોકે, પ્રેક્ટિસ દરમિયાન તેને ઘૂંટણની ગંભીર ઈજા થઈ, જેના કારણે તેની ક્રિકેટ કરિયર સંકટમાં મુકાઈ ગઈ. આ ઈજાને કારણે તે KKR માટે એક પણ મેચ રમ્યા વિના ક્રિકેટમાંથી કામચલાઉ બ્રેક લેવા માટે મજબૂર થયો.
શાહરૂખની ફ્રેન્ચાઈઝી બની દેવદૂત
પૂજારાની પત્ની પૂજાએ પુસ્તકમાં લખ્યું છે કે ઈજાના સમાચાર મળતા જ કોલકાતા નાઈટ રાઈડર્સના મેનેજમેન્ટે તરત જ જવાબદારી લીધી હતી અને પૂજારાના ઈલાજ માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી. ફ્રેન્ચાઈઝીએ પૂજારાની ઈજાના તમામ ખર્ચાઓ ઉઠાવવાનો નિર્ણય કર્યો હતો. KKRએ સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં પૂજારાની તાત્કાલિક સર્જરીની વ્યવસ્થા કરી, જે તેના માટે શ્રેષ્ઠ ગણાતી હતી.
પૂજારાના પિતાને ચિંતા હતી કારણ કે તેમની પાસે પાસપોર્ટ નહતો અને તે ઈચ્છતા હતા કે તેમનો દીકરો રાજકોટ પાછો આવે. ત્યારે, શાહરૂખ ખાને પોતે તેમની સાથે વાત કરી અને ખાતરી આપી કે સાઉથ આફ્રિકા ઈલાજ માટે શ્રેષ્ઠ સ્થળ છે. ત્યારબાદ, KKR મેનેજમેન્ટે પૂજારાના પિતાના પાસપોર્ટ, વિઝા અને અન્ય તમામ પ્રવાસ સંબંધિત કાગળોની સરળતાથી વ્યવસ્થા કરી અને તેમને પૂજારા પાસે કેપટાઉન મોકલ્યા.
આ ગંભીર ઈજામાંથી બહાર આવ્યા બાદ, પૂજારાએ ભારતની ટેસ્ટ ટીમમાં રાહુલ દ્રવિડનું સ્થાન સંભાળ્યું અને વર્ષો સુધી નંબર 3 પર મુખ્ય બેટ્સમેન તરીકે ટીમની 'વોલ' બની રહ્યો. KKRના આ સમયસરના અને ઉદાર સમર્થનથી જ પૂજારાનું કરિયર બચી શક્યું હતું.

