IND W vs AUS W / ICC એ ભારતીય ટીમને ફટકાર્યો દંડ, જાણો કઈ ભૂલની મળી સજા

ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમને ICC તરફથી દંડ ફટકારવામાં આવ્યો છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ODIમાં સ્લો ઓવર-રેટ માટે ભારતીય ટીમને તેની મેચ ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયાની વિમેન્સ ટીમે ત્રણ મેચની ODI સિરીઝ 2-1થી જીતી હતી. ભારતીય ટીમ અંતિમ ODI 43 રનથી હારી ગઈ. હવે, આ હાર બાદ ભારતીય મહિલા ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે.
ICC એ ભારતીય ટીમને દંડ ફટકાર્યો
ત્રીજી ODIમાં, ભારતીય વિમેન્સ ટીમે નિર્ધારિત સમયમાં બે ઓવર ઓછી ફેંકી હતી. ICC ઈન્ટરનેશનલ પેનલ ઓફ મેચ રેફરીના જીએસ લક્ષ્મીએ હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમને સ્લો ઓવર-રેટ માટે દંડ ફટકાર્યો, કારણ કે ટીમે નિર્ધારિત સમય કરતાં બે ઓવર ઓછી ફેંકી હતી.
ICC નિયમ શું કહે છે?
ICC આચાર સંહિતાની કલમ 2.2 મુજબ, જે સ્લો ઓવર-રેટ સાથે સંબંધિત છે, ખેલાડીઓને નિર્ધારિત સમય પછી દરેક ઓવર ફેંકવા માટે તેની મેચ ફીના પાંચ ટકા દંડ ફટકારવામાં આવે છે. ભારતે દંડ સ્વીકાર્યો, અને તેથી, ઔપચારિક સુનાવણીની જરૂર નહતી. ભારતીય વિમેન્સ ટીમને સ્લો ઓવર-રેટ માટે 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો.
મેચ કેવી રહી?
ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમ સામે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા બેટિંગ કરતા, ટીમની શરૂઆત મજબૂત રહી. કેપ્ટન એલિસાએ 30 રન બનાવ્યા, જ્યારે જ્યોર્જિયાએ 14 ચોગ્ગા સહિત 81 રન બનાવ્યા.
એલિસ પેરીએ 72 બોલમાં 68 રન બનાવ્યા. બેથ મૂનીના બેટમાંથી 138 રન આવ્યા, જેમાં 23 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. એશ્લે ગાર્ડનરે 39 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા 47.5 ઓવરમાં 412 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
જવાબમાં, ભારતની શરૂઆત નબળી રહી. ઓપનર પ્રતિકા રાવલ 10 રન બનાવીને આઉટ થઈ ગઈ, જ્યારે સ્મૃતિ મંધાનાએ 63 બોલમાં 125 રનની ધમાકેદાર ઈનિંગ રમી રમી. તેની ઈનિંગમાં 17 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થતો હતો. કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ 52 રન બનાવ્યા. દીપ્તિ શર્માએ 58 બોલમાં 72 રન બનાવ્યા. સ્નેહ રાનીએ પણ 35 રન બનાવ્યા હતા. આ ઈનિંગ્સ છતાં, ભારતીય ટીમ 47 ઓવરમાં 369 રનમાં ઓલઆઉટ થઈ ગઈ, અને ઓસ્ટ્રેલિયન ટીમે 43 રનથી મેચ જીતી લીધી.

