CABમાં થઈ સૌરવ ગાંગુલીની વાપસી, બીજી વખત બન્યો અધ્યક્ષ; પદ સંભાળતા જ કરી મોટી જાહેરાત

ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) ના પ્રમુખ તરીકે ચૂંટાયો છે. તે 2019 સુધી આ પદ પર રહ્યો હતો, હવે છ વર્ષ પછી ફરીથી આ પદ પર નિયુક્ત થયો છે. ગાંગુલી 2019થી 2022 સુધી BCCIના અધ્યક્ષ પદે પણ રહી ચૂક્યો છે. CABના અધ્યક્ષ બન્યા પછી, તેણે સોમવારે ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમની ક્ષમતા 100,000 સુધી વધારવા અંગે વાત કરી હતી. તેણે T20 વર્લ્ડ કપની મહત્ત્વપૂર્ણ મેચોની યજમાની મેળવવાને પોતાની પ્રાથમિકતાઓમાં સામેલ કરી છે.
સોમવારે CABની 94મી વાર્ષિક સામાન્ય સભામાં સૌરવ ગાંગુલી આગામી અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયો હતો. તેણે 2015થી 2019 સુધી CABના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી, BCCIના અધ્યક્ષ બનતા પહેલા તેણે આ પદ પરથી રાજીનામું આપ્યું હતું, જે બાદ અભિષેક દાલમિયા નવો અધ્યક્ષ બન્યો હતો.
ગાંગુલીએ ઈડન ગાર્ડન્સમાં ટેસ્ટ ક્રિકેટની સરળ વાપસી સુનિશ્ચિત કરવાનું વચન આપ્યું છે. બંગાળ ઓક્ટોબરમાં ઉત્તરાખંડ અને ગુજરાત સામે બે રણજી ટ્રોફી મેચ રમશે. નવેમ્બરમાં ભારત અને સાઉથ આફ્રિકા અહીં એક ટેસ્ટ મેચ રમશે.
કાર્યભાર સંભાળ્યા પછી, ગાંગુલીએ જણાવ્યું હતું કે તેની પહેલી જવાબદારી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ માટે તૈયારી કરવાની રહેશે. 2019માં બાંગ્લાદેશ સામે પિંક બોલ ટેસ્ટ પછી અહીં આ પહેલી ટેસ્ટ હશે. સૌરવ ગાંગુલીના અધ્યક્ષ તરીકેના કાર્યકાળ દરમિયાન ભારતમાં પિંક બોલ સાથે ડે-નાઈટ ટેસ્ટ શરૂ કરવામાં આવી હતી.
ગાંગુલીએ કહ્યું, "આ એક સારી ટેસ્ટ હશે, કારણ કે સાઉથ આફ્રિકા તાજેતરમાં જ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બન્યું છે. ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં બધું જ છે. સારી પિચો, સારા ફેન્સ અને સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર. ભારત અને સાઉથ આફ્રિકા બંને સારી ટીમો છે, તેથી મને વિશ્વાસ છે કે તે એક સારી ટેસ્ટ હશે."
ગાંગુલી BCCI મીટિંગમાં CABનું પ્રતિનિધિત્વ કરશે
સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે તે ટૂંક સમયમાં BCCI ટીમના નવા સભ્યો સાથે આ બાબતે ચર્ચા કરશે. ગાંગુલીએ કહ્યું, "હું BCCI સાથે વાત કરીશ. તેઓ પણ નવા સભ્યો છે. હું BCCIના નવા અધ્યક્ષને શુભકામનાઓ પાઠવું છું. મને વિશ્વાસ છે કે તેઓ સારું કામ કરશે. ફક્ત મિથુન મનહાસ જ નહીં; ત્યાં રઘુરામ ભટ્ટ સહિત ઘણા નવા પદાધિકારીઓ છે."
BCCIની વાર્ષિક સામાન્ય સભા 28 સપ્ટેમ્બરે યોજાશે. ગાંગુલી આ બેઠકમાં CABનું પ્રતિનિધિત્વ કરશે. ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમની ક્ષમતા વધારવા અંગે ગાંગુલીએ કહ્યું કે આ આવતા વર્ષના T20 વર્લ્ડ કપ પછી જ થશે. તેમાં સમય લાગશે.

