IND vs PAK / 24 કલાકમાં ડબલ ઝટકા! ક્રિકેટ બાદ હવે ફૂટબોલના મેદાન પર પણ ભારત સામે હાર્યું પાકિસ્તાન

ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સ્પોર્ટ્સની જંગ હંમેશા રોમાંચક રહે છે. રવિવારે, ભારતીય ટીમે ક્રિકેટના મેદાન પર એશિયા કપ સુપર-4માં પાકિસ્તાનને હરાવ્યું, અને બીજા દિવસે, સોમવારે, ભારતીય અંડર-17 ફૂટબોલ ટીમે પણ પાકિસ્તાનને હરાવ્યું. શ્રીલંકાની રાજધાની કોલંબોના રેસકોર્સ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી SAFF (South Asian Football Federation) અંડર-17 ફૂટબોલ ચેમ્પિયનશિપ મેચમાં ભારતે પાકિસ્તાનને 3-2થી હરાવ્યું હતું.
રોમાંચક રહી હતી મેચ
ભારતે મેચની શરૂઆતમાં જ લીડ મેળવી લીધી હતી. 31મી મિનિટે, ડલ્લાલમુઓન ગાંગટેએ શાનદાર ગોલ કરીને સ્કોર 1-0 કર્યો. જોકે, 43મી મિનિટે પાકિસ્તાને બરાબરી કરી. મોહમ્મદ અબ્દુલ્લાએ પેનલ્ટી કિક ફટકારી, અને ત્યારબાદ તેનું સેલિબ્રેશન ચર્ચાનો વિષય બન્યું હતું. અબ્દુલ્લાએ તેના સાથી ખેલાડીઓ સાથે ચા પીવાની એક્ટિંગ કરતું સેલિબ્રેશન કર્યું હતું, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું.
ભારતે તાકાત બતાવી
પેનલ્ટી ગોલ પછી, પાકિસ્તાન થોડીવાર માટે મેચમાં રહ્યું, પરંતુ ભારતે આક્રમક ફૂટબોલ રમવાનું ચાલુ રાખ્યું. 63મી મિનિટમાં ગુનલેઈબા વાંગખેઈરાકપમે ગોલ કરીને ભારતને 2-1ની લીડ અપાવી. જોકે, સાત મિનિટ પછી હમઝા યાસિરના ગોલથી પાકિસ્તાને સ્કોર બરાબર કર્યો હતો.
મેચનો ટર્નિંગ પોઈન્ટ 73મી મિનિટમાં આવ્યો જ્યારે રહામ અહેમદે શાનદાર ગોલ કરીને ભારતને 3-2ની લીડ અપાવી. ત્યારબાદ ભારતીય ટીમે પોતાના શાનદાર ડિફેન્સથી પાકિસ્તાનને બરાબરી ન કરવા દીધી.
ક્રિકેટ અને ફૂટબોલ બંનેમાં હાર્યું પાકિસ્તાન
પાકિસ્તાની ખેલાડી અબ્દુલ્લાહનો "ચા પીવાવાળું સેલિબ્રેશન" પણ એક દિવસ પહેલા જ પાકિસ્તાનના ક્રિકેટ ખેલાડીઓ હારિસ રઉફ અને સાહિબજાદા ફરહાનની હરકતો સાથે જોડાયેલું હતું. તેઓએ પણ ભારત સામે એશિયા કપ મેચમાં કેટલાક ઉશ્કેરણીજનક ઈશારા કર્યા હતા, પરંતુ પરિણામે, પાકિસ્તાન ક્રિકેટ અને ફૂટબોલ બંનેમાં ભારત સામે હારી ગયું.

