Champions Trophy 2025 / પાકિસ્તાનથી ભારત આવશે ચેમ્પિયન્સ ટ્રોફી, ICCએ કરી જાહેરાત
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને સતત અહેવાલો આવી રહ્યા છે. દરમિયાન, ઈન્ટરનેશનલ ક્રિકેટ બોર્ડ એટલે કે ICC એ જાહેરાત

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને સતત અહેવાલો આવી રહ્યા છે. દરમિયાન, ઈન્ટરનેશનલ ક્રિકેટ બોર્ડ એટલે કે ICC એ જાહેરાત કરી છે કે ચેમ્પિયન્સ ટ્રોફી જાન્યુઆરી મહિનામાં ભારતમાં આવશે. તેને હોસ્ટિંગ સાથે કોઈ સંબંધ નથી, ICC મોટી ટૂર્નામેન્ટ પહેલા ટ્રોફી ટૂરનું આયોજન કરે છે. આ અંતર્ગત ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનથી ભારત આવશે. ICC દ્વારા આની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ પહેલા ભારતને ઝટકો!, શુભમનને ઇજા થતા પ્રથમ મેચમાંથી થઇ શકે છે બહાર
ICCએ એક મીડિયા રિલીઝમાં કહ્યું છે કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ટ્રોફી ટૂર 16 નવેમ્બરથી શરૂ થઈ છે, જે 26 જાન્યુઆરી 2025 સુધી ચાલશે. ચેમ્પિયન્સ ટ્રોફી ભારતમાં સૌથી છેલ્લે આવશે. ટ્રોફી 16થી 25 નવેમ્બર દરમિયાન પાકિસ્તાનના વિવિધ શહેરોમાં જશે. તે પછી ટ્રોફી 26થી 28 નવેમ્બર સુધી અફઘાનિસ્તાનમાં હશે અને ત્યારબાદ 10થી 13 ડિસેમ્બર સુધી ટ્રોફી બાંગ્લાદેશમાં હશે. 15થી 22 ડિસેમ્બર સુધી ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર સાઉથ આફ્રિકામાં યોજાશે.
જાન્યુઆરીમાં ભારત આવશે ટ્રોફી
સાઉથ આફ્રિકા પછી, ચેમ્પિયન્સ ટ્રોફી ઓસ્ટ્રેલિયા પહોંચશે, જ્યાં ટ્રોફી 25 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી દેશના વિવિધ શહેરોમાં જશે. ટ્રોફી 6 જાન્યુઆરીથી 11મી જાન્યુઆરી સુધી ન્યુઝીલેન્ડમાં હશે અને ત્યારબાદ 12મીથી 14મી જાન્યુઆરી સુધી ટ્રોફી ઈંગ્લેન્ડમાં હશે. આ પછી ટ્રોફી ભારત આવશે. ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર ભારતમાં 15થી 26 જાન્યુઆરી દરમિયાન યોજાશે. આ પછી ટ્રોફીને પાકિસ્તાન પહોંચાડવામાં આવશે.
હાઇબ્રિડ મોડલમાં યોજાશે ટૂર્નામેન્ટ
27 જાન્યુઆરીએ પાકિસ્તાનમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પછી ટૂર્નામેન્ટની બાકીની તૈયારીઓ શરૂ થશે. આ ટૂર્નામેન્ટ ફેબ્રુઆરી-માર્ચમાં રમાવાની છે. અત્યાર સુધી સામે આવી રહેલા અહેવાલો અનુસાર, પાકિસ્તાને આ ટૂર્નામેન્ટનું આયોજન હાઇબ્રિડ મોડલમાં કરવું પડશે. દુબઈમાં ભારતની ત્રણ લીગ મેચ, એક સેમીફાઈનલ અને ફાઈનલ મેચ રમાઈ શકે છે.






