IND vs AUS / બ્રિસ્બેનમાં રમાશે T20I સિરીઝની છેલ્લી મેચ, જાણો અહીં કેવો છે ભારતીય ટીમનો રેકોર્ડ

ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની T20I સિરીઝની ચોથી મેચ 48 રનથી જીતીને સિરીઝ હારનો ખતરો ટાળ્યો છે. હવે ભારતીય ટીમની નજર સિરીઝ જીતવા પર હશે, જેની છેલ્લી મેચ 8 નવેમ્બરે બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમ ખાતે રમાશે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ હેઠળ, ભારતીય ટીમે અત્યાર સુધી T20Iમાં સારું પ્રદર્શન કર્યું છે. સિરીઝ જીતવામાં સફળતા આવતા વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપ પહેલા તમામ ખેલાડીઓના આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો કરશે.
અત્યાર સુધી બ્રિસ્બેન ખાતે એક મેચ રમાઈ છે
ભારતીય ટીમ બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયા સામે T20I સિરીઝની અંતિમ મેચ રમશે. ભારતીય ટીમે અત્યાર સુધી ત્યાં ફક્ત એક જ T20I મેચ રમી છે, જે 2018ની સિરીઝમાં યજમાન ઓસ્ટ્રેલિયા સામે રમાઈ હતી. આ મેચમાં, ભારતીય ટીમ DLS હેઠળ 4 રનથી હારી ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા 158 રન બનાવ્યા. આ પછી, ભારતને DLS હેઠળ 17 ઓવરમાં 174 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, પરંતુ ટીમ ફક્ત 169 રન જ બનાવી શકી હતી
ઓસ્ટ્રેલિયાનો અહીં પ્રભાવશાળી રેકોર્ડ
યજમાન ઓસ્ટ્રેલિયન ટીમનો બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં રેકોર્ડ જોવામાં આવે, તો તેણે અહીં કુલ 8 T20I મેચ રમી છે, જેમાંથી 7 જીતી છે. આ મેદાન પર કાંગારૂ ટીમને એક માત્ર હાર 2013માં વેસ્ટ ઈન્ડિઝ સામે મળી હતી. ઓસ્ટ્રેલિયા આ મેચમાં 27 રનથી હાર્યું હતું. આ મેચ પછી, ઓસ્ટ્રેલિયાએ અહીં 5 મેચ રમી છે અને તે બધી જીતી છે. તેથી, અહીં ઓસ્ટ્રેલિયાને હરાવવું સરળ નહીં રહે.

