IND vs AUS / ટીમ ઈન્ડિયાએ 48 રનથી જીતી ચોથી મેચ, T20I સિરીઝમાં 2-1થી આગળ ભારત

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની T20I સિરીઝની ચોથી T20I 6 નવેમ્બરના રોજ ગોલ્ડ કોસ્ટના કેરારા ઓવલ ખાતે રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિચેલ માર્શે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી પ્રથમ બેટિંગ કરતા, ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા હતા. ટીમ તરફથી વાઈસ કેપ્ટન શુભમન ગિલે સૌથી વધુ 46 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝમ્પા અને નાથન એલિસે પણ 3-3 વિકેટ લીધી હતી.
બીજી ઈનિંગમાં 168 રનનો ટાર્ગેટ ચેઝ કરવા આવેલી ઓસ્ટ્રેલિયાની ટીમ પૂરી 20 ઓવર પણ ન રમી શકે અને 18.2 ઓવરમાં માત્ર 119 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે અને અક્ષર પટેલે ભારતની જીતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. સુંદરે ફક્ત 3 રનમાં 3 વિકેટ લીધી. અક્ષર પટેલ અને શિવમ દુબેએ 2-2 વિકેટ લીધી. જ્યારે વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહે 1-1 વિકેટ લીધી હતી. આ સાથે ભારતે આ સિરીઝમાં 2-1થી લીડ મેળવી લીધી.
આવી રહી ભારતની બોલિંગ
ઓસ્ટ્રેલિયાની ઈનિંગની શરૂઆત મેથ્યુ શોર્ટ અને મિચેલ માર્શથી થઈ હતી. બંનેએ મજબૂત શરૂઆત કરી હતી. જોકે, પાંચમી ઓવરમાં અક્ષર પટેલે શોર્ટને આઉટ કર્યો. શોર્ટ 25 રન બનાવીને પવેલિયન પરત ફર્યો. નવમી ઓવરમાં અક્ષરે ઓસ્ટ્રેલિયાને વધુ એક ઝટકો આપ્યો અને તેણે ઈંગ્લિશને આઉટ કર્યો. ઓસ્ટ્રેલિયાનો સ્કોર ત્યારે 67 હતો. દસમી ઓવરમાં શિવમ દુબેએ કેપ્ટન માર્શને આઉટ કર્યો. માર્શ 30 રન બનાવીને આઉટ થયો. 12મી ઓવરમાં શિવમ દુબેએ ટિમ ડેવિડને આઉટ કર્યો, જે 14 રન બનાવીને પવેલિયન પરત ફર્યો.
આ પછી અર્શદીપે 14મી ઓવરમાં ફિલિપને આઉટ કર્યો, આ સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 98 રન હતો. વરુણે 15મી ઓવરમાં ઓસ્ટ્રેલિયાને છઠ્ઠો ઝટકો આપતા મેક્સવેલને આઉટ કર્યો. ત્યારબાદ, 17મી ઓવરમાં સુંદરે સ્ટોઈનિસને આઉટ કર્યો અને બીજા જ બોલ પર બાર્ટલેટને પણ આઉટ કર્યો. આ પછી સુંદર હેટ્રિક પર હતો પરતું તે ત્રીજી વિકેટ લેવામાં સફળ ન રહ્યો. આ મેચમાં બુમરાહને પહેલી સફળતા 18મી ઓવરમાં મળી જ્યારે તેણે બેન ડ્વારશુઇસને આઉટ કર્યો. આ પછી સુંદરે છેલ્લી વિકેટ લઈ અને ભારતને જીત અપાવી.

