AUS vs ENG / એશિઝમાં 116 વર્ષ બાદ પહેલીવાર થયું આવું, ઐતિહાસિક રહ્યો પર્થ ટેસ્ટનો પહેલો દિવસ

એશિઝ સિરીઝની પહેલી ટેસ્ટનો પ્રથમ દિવસ સંપૂર્ણપણે બોલર્સનો હતો. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેનાર ઈંગ્લેન્ડ 172 રનમાં ઓલઆઉટ થઈ ગયું. પહેલી ઈનિંગમાં મિચેલ સ્ટાર્કે ભારે તબાહી મચાવી અને સાત વિકેટ લીધી. જોકે, કાંગારૂ બેટ્સમેનોની હાલત તો તેનાથી પણ ખરાબ રહી અને દિવસની રમતના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ માત્ર 123 રનમાં નવ વિકેટ ગુમાવી દીધી હતી. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ઘાતક સ્પેલ ફેંકીને માત્ર 6 ઓવરમાં 23 રનમાં 5 વિકેટ લીધી.
ઓસ્ટ્રેલિયા બેકફૂટ પર
ઈંગ્લેન્ડને 172 રનમાં ઓલઆઉટ કર્યા પછી, ઓસ્ટ્રેલિયાની બેટિંગ લાઈન-અપની શરૂઆત સારી નહતી રહી. જોફ્રા આર્ચરે મેચના બીજા બોલ પર જેક વેધરાલ્ડને આઉટ કર્યો, તે એક પણ રન બનાવ્યા વિના પવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ આર્ચરે માર્નસ લાબુશેનને 9 રનમાં આઉટ કર્યો. ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલો ઉસ્માન ખ્વાજા બેટિંગમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો અને 2 રન બનાવીને આઉટ થયો. કેપ્ટન સ્ટીવ સ્મિથ 17 રન બનાવીને બ્રાયડન કાર્સનો શિકાર બન્યો. ટ્રેવિસ હેડ પણ 21 રન બનાવીને આઉટ થયો.
કેમેરોન ગ્રીન અને એલેક્સ કેરી ઓસ્ટ્રેલિયાની ઈનિંગને સાંભળવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ પણ સંપૂર્ણપણે નિષ્ફળ ગયા. કેરી 26 રન બનાવીને આઉટ થયા, જ્યારે ગ્રીન 24 રન બનાવીને આઉટ થયો. દિવસની રમતના અંતે, નાથન લિયોન 3 રન બનાવીને અને બ્રેન્ડન ડોગેટ કોઈ ખાતું ખોલાવ્યા વિના બેટિંગ કરી રહ્યા હતા. કેપ્ટન બેન સ્ટોક્સે પોતાની ઘાતક બોલિંગથી ઓસ્ટ્રેલિયાને બેકફૂટ પર ધકેલ્યું. તેણે 6 ઓવરના સ્પેલમાં 23 રન આપીને ઓસ્ટ્રેલિયાના 5 ટોચના બેટ્સમેનોને આઉટ કર્યા.
મુલાકાતી ટીમ સ્ટાર્ક સામે નિષ્ફળ ગઈ
અગાઉ, ઈંગ્લેન્ડના બેટ્સમેન મિશેલ સ્ટાર્કની ઘાતક બોલિંગ સામે ન ટકી શક્યા. ટીમ માટે હેરી બ્રુકે સૌથી વધુ 52 રન બનાવ્યા, જ્યારે ઓલી પોપે 46 રન બનાવ્યા. જેમી સ્મિથે 33 રનનું યોગદાન આપ્યું, જેનાથી ટીમનો સ્કોર કુલ 172 રન સુધી પહોંચ્યો. સ્ટાર્કે 12.5 ઓવરના સ્પેલમાં 58 રન આપીને 7 વિકેટ લીધી.
116 વર્ષમાં આ પહેલીવાર બન્યું
એશિઝ સિરીઝના છેલ્લા 116 વર્ષમાં આ પહેલીવાર બન્યું જ્યારે ટેસ્ટના પહેલા દિવસે 18 કે તેનાથી વિકેટ પડી. પર્થ ટેસ્ટમાં પહેલા દિવસે 19 વિકેટ પડી હતી. આ પહેલા 1909માં ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાયેલી ટેસ્ટના પહેલા દિવસે 20 વિકેટ પડી હતી. જ્યારે પર્થમાં ટેસ્ટના પહેલા દિવસે પડનારી સૌથી વધુ વિકેટ હતી. આ પહેલા 2024માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચના પહેલા દિવસે 17 વિકેટ પડી હતી.

