VIDEO: GT vs RR / શુભમન ગિલની સદી સામે વ્યર્થ ગઈ વૈભવની ઈનિંગ, રાજસ્થાનને હરાવી ગુજરાતની ફાઈનલમાં એન્ટ્રી
IPL 2026ના ક્વોલિફાયર-2 મુકાબલોમાં ગુજરાત ટાઈટન્સની ટીમે રાજસ્થાન રોયલ્સને હરાવીને ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. ઓપનર સાઈ સુદર્શનની ફિફ્ટી અને શુભમન ગિલની વિસ્ફોટક સદીની મદદથી ગુજરાતે 215 રનના પડકારને સરળતાથી પાર કરી લીધો છે. રાજસ્થાને 20 ઓવરમાં 6 વિકેટે 214 રન બનાવ્યા હતા, તો ગુજરાતે માત્ર 18.4 ઓવરમાં 3 વિકેટે 219 રન બનાવી ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. હવે 31 મે, રવિવારે ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે ચેમ્પિયન બનવા મહામુકાબલો રમાશે.
શુભમન ગિલની સદી, વૈભવ સૂર્યવંશી સદી ચુક્યો
આ હાઈવોલ્ટેજ મેચમાં સૌથી મહત્ત્વના ખેલાડી તરીકે ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલ અને રાજસ્થાન રોયલ્સના 15 વર્ષના યુવા બેટર વૈભવ સૂર્યવંશી ઉભરી આવ્યા હતા. વૈભવ સૂર્યવંશીએ માત્ર 47 બોલમાં 7 સિક્સ અને 8 ફોર ફટકારીને 96 રનની શાનદાર ઈનિંગ રમી હતી, જોકે તે કગીસો રબાડાની ઓવરમાં આઉટ થતા સદી ચૂક્યો હતો.
વૈભવે 1000 રન પૂરા કર્યા
આ મેચ દરમિયાન વૈભવે પોતાની IPL કારકિર્દીમાં 1000 રન પણ પૂરા કર્યા છે, જેમાં તેણે 2025માં 7 મેચમાં 250 રન (1 સદી, 1 ફિફ્ટી) અને 2026માં 16 મેચમાં 776 રન (1 સેન્ચ્યુરી, 5 ફિફ્ટી) સાથે કુલ 1026 રન બનાવ્યા છે. બીજી તરફ, ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે મોરચેથી આગેવાની કરતા માત્ર 30 બોલમાં ફિફ્ટી અને 48 બોલમાં સદી ફટકારી હતી. ગિલ જોફ્રા આર્ચરની બોલિંગમાં આઉટ થતા પહેલા 53 બોલમાં 3 સિક્સ અને 15 ફોરની મદદથી 104 રનની વિસ્ફોટક અને મેચ વિનિંગ ઈનિંગ રમી ગયો હતો.
છેલ્લી ઓવરોમાં ફેરેરાની વિસ્ફોટ બેટિંગ એડે ગઈ
રાજસ્થાનની શરૂઆત ખરાબ રહી હતી અને પહેલી જ ઓવરમાં ઓપનર યશસ્વી જયસ્વાલ માત્ર 2 રને મોહમ્મદ સિરાજની ઓવરમાં પ્રસિદ્ધ કૃષ્ણાને કેચ આપી બેઠો હતો. ત્યારબાદ માત્ર 9 રનના સ્કોર પર બીજી વિકેટ પડી હતી, જેમાં ધ્રુવ જુરેલ 6 બોલમાં 7 રન બનાવી કગીસો રબાડાની ઓવરમાં શુભમન ગિલના હાથે કેચ આઉટ થયો હતો. પાવરપ્લેમાં ટીમે 5 ઓવરમાં 54/2 અને બાદમાં 70 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજા 36 રને રમી રહ્યો હતો ત્યારે કોણીની સમસ્યાના કારણે રિટાયર્ડ હર્ટ થયો હતો. તેના ગયા બાદ આવેલો કેપ્ટન રિયાન પરાગ માત્ર 11 રન બનાવી જેસન હોલ્ડરની બોલિંગમાં કગીસો રબાડા દ્વારા કેચ આઉટ થયો હતો. દાસુન શનાકા પણ 9 બોલમાં 3 રન કરીને હોલ્ડરની બોલિંગમાં વિકેટ કીપર જોશ બટલરને કેચ આપી સસ્તામાં આઉટ થયો હતો. જોફ્રા આર્ચર પણ 7 રને પ્રસિદ્ધ કૃષ્ણાની ઓવરમાં જોશ બટલરના હાથે કેચ આઉટ થતાં પાંચમી વિકેટ પડી હતી. અંતમાં 8મા ક્રમે આવેલા ડોનોવન ફેરેરાએ છેલ્લી 3 ઓવરોમાં વિસ્ફોટ મચાવતા માત્ર 11 બોલમાં 4 સિક્સ અને 2 ફોર સાથે અણનમ 38 રન ઝૂડીને ટીમનો સ્કોર 214/6 સુધી પહોંચાડ્યો હતો.
ગુજરાતના ઓપનર્સની તોફાની પાર્ટનરશિપ
215 રનના પહાડ જેવા લક્ષ્ય સામે ગુજરાતના ઓપનર્સ સાઈ સુદર્શન અને કેપ્ટન શુભમન ગિલે મેદાનમાં આવીને તોફાની બેટિંગ શરૂ કરી હતી અને 10 ઓવરમાં ટીમનો સ્કોર 127 રન પર લઈ ગયા હતા. સાઈ સુદર્શને શાનદાર પ્રદર્શન કરતા 32 બોલમાં 1 સિક્સ અને 8 ફોરની મદદથી 58 રન ફટકાર્યા હતા, જોકે તે બ્રિજેશ શર્માની ઓવરમાં હિટવિકેટ આઉટ થયો હતો. શુભમન ગિલની 104 રનની સદી બાદ વોશિંગ્ટન સુંદર 9 બોલમાં 1 સિક્સ અને 2 ફોરની મદદથી 16 રન બનાવી નાન્દ્રે બર્ગરની ઓવરમાં ડોનોવન ફેરેરાના હાથે કેચ આઉટ થયો હતો.
ગુજરાતના બોલર્સે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી, જેમાં જેસન હોલ્ડરે કેપ્ટન પરાગ અને શનાકાની કિંમતી વિકેટો લીધી હતી. કગીસો રબાડાએ સેટ બેટર વૈભવ સૂર્યવંશી (96) અને ધ્રુવ જુરેલને આઉટ કર્યા હતા, જ્યારે મોહમ્મદ સિરાજે જયસ્વાલને સસ્તામાં પવેલિયન ભેગો કર્યો હતો. આ શાનદાર દેખાવના કારણે ગુજરાતે મેચ પોતાના નામે કરી લીધી હતી.
હવે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ફાઈનલ મુકાબલો
ક્વોલિફાયર-2ના આ મહામેચમાં રાજસ્થાન રોયલ્સને ધૂળ ચટાવ્યા બાદ હવે ગુજરાત ટાઈટન્સની ટીમ ફાઈનલમાં પહોંચી ગઈ છે. IPL 2026ની ટ્રોફી જીતવા માટેનો આ મહા મુકાબલો હવે 31 મે, રવિવારના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે રમાશે. એલિમિનેટરમાં હૈદરાબાદને 47 રનથી હરાવીને આગળ વધેલી રાજસ્થાનની સફર અહીં સમાપ્ત થઈ છે અને હવે રવિવારે ગુજરાત અને બેંગલુરુ વચ્ચે ખરાખરીની ફાઈનલ જંગ જામશે.

