'એશિયા કપ 2025માં વૈભવ સૂર્યવંશીને રમાડો, અભિષેક સાથે ઓપનિંગ કરાવો', પૂર્વ સિલેક્ટરે આપી સલાહ
એશિયા કપ 2025 માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી UAEની ધરતી

એશિયા કપ 2025 માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી UAEની ધરતી પર શરૂ થવાની છે. 8 દેશો વચ્ચે યોજાનારી આ એશિયન ઈવેન્ટ માટે ટીમ ઈન્ડિયાની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. જોકે, ભૂતપૂર્વ ખેલાડીઓ ટીમ કોમ્બિનેશન અંગે પોતાના મંતવ્યો આપવામાં વ્યસ્ત છે. જેમાં હવે પૂર્વ ભારતીય ટીમ સિલેક્ટર શ્રીકાંતે એશિયા કપમાં 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને રમાડવાની સલાહ આપી છે. શ્રીકાંતે કહ્યું છે કે વૈભવે અભિષેક શર્મા સાથે ઈનિંગની શરૂઆત કરવી જોઈએ.
શ્રીકાંતે વૈભવને રમાડવાની સલાહ આપી
ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર શ્રીકાંતે પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા વૈભવને એશિયા કપ ટીમમાં રમાડવાની માંગ કરી. તેમણે કહ્યું, "જો હું સિલેક્ટર હોત, તો ઓપનર તરીકે અભિષેક શર્મા મારી પહેલી પસંદગી હોત. તે જ સમયે, હું વૈભવ સૂર્યવંશી અથવા સાઈ સુદર્શનને તેના પાર્ટનર તરીકે પસંદ કરત." વૈભવે ઈંગ્લેન્ડ પ્રવાસ પર બેટથી ખૂબ ધમાલ મચાવી હતી.
અંડર-19 ટીમ માટે રમતા, વૈભવે 5 મેચમાં 71ની એવરેજથી 355 રન બનાવ્યા હતા. આ દરમિયાન, તેની સ્ટ્રાઈક રેટ 174 હતી. સિરીઝની ચોથી વનડેમાં, વૈભવે શાનદાર બેટિંગ કરી અને 78 બોલમાં 143 રનની તોફાની ઈનિંગ રમી. આ ઈનિંગ દરમિયાન, તેણે 13 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા.
IPLમાં પણ ધૂમ મચાવી
વૈભવ સૂર્યવંશીનું બેટ IPL 2025માં પણ સારું ચાલ્યું હતું. રાજસ્થાન રોયલ્સ માટે રમતા, વૈભવે માત્ર 7 મેચમાં 206ની સ્ટ્રાઇક રેટથી 252 રન બનાવ્યા હતા. ગુજરાત સામે રમેલી મેચમાં વૈભવે માત્ર 35 બોલમાં સદી ફટકારી હતી. આ સાથે તે IPLમાં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો. ઉપરાંત તેણે IPLમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.






